Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

હીરો મોટોકોર્પ આગામી ફેબ્રુઆરી સુધીમાં સ્‍કૂટર અને મોટર બાઇકના નવા પાંચ મોડલ લોન્‍ચ કરવાની તૈયારીમાં

નવી દિલ્હી : ટુ વ્હીલર બનાવનારી દેશની સૌથી મોટી કંપની હીરો મોટોકોર્પ આવતા વર્ષે બીએસ-6 (BS-VI)ના નવા 10 મોડલ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. કંપની આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી સ્કૂટર અને મોટરબાઇકના નવા 5 મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

        મળેલી જાણકારી પ્રમાણે હીરો મોટોકોર્પ જયપુરમાં આ મોડલ્સને લોન્ચ કરશે જેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ થયેલો હશે. આ સિવાય આવતા વર્ષે કંપની ઓછામાં ઓછા 10 નવા મોડલ્સ લોન્ચ કરશે જેમાં સ્પલેન્ડર, એચએફ ડિલક્સ, ગ્લેમર મોટરસાયકલ તેમજ માઇસ્ટ્રો પણ શામેલ છે. હીરો મોટોકોર્પે ગયા મહિને નવેમ્બરમાં પોતાની પહેલી BS-VI મોટરસાયકલ સ્પલેન્ડર iસ્માર્ટનું વેચાણ શરૂ કર્યું છે. હીરો iસ્માર્ટ કંપનીની પહેલી BSVI બાઇક છે જેમાં 113.2 ccનું એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7,500 આરએમપી પર 9.4 hpનો પાવર અને 5,500 rpm પર 9 Nm ટોર્ક જનરેટ કરે છે. બાઇકનું એન્જિન 4 સ્પિડ ગિયરબોક્સથી સજ્જ છે.

          એક તરફ હીરો મોટોકોર્પ નવા મોડલ્સ લોન્ચ કરવા તૈયાર છે ત્યારે કંપનીએ બાઇક તેમજ સ્કૂટરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત પણ કરી છે. કંપનીએ પોતાના સ્કૂટર તેમજ બાઇક્સની કિંમતમાં 2,000 રૂપિયા સુધી વધારો કરવાની જાહેરાત કરી છે અને આ વાહનો 1 જાન્યુઆરી, 2020થી મોંઘા થઈ જશે.

(5:01 pm IST)