Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નાગરિકતા સંશોધન બિલ મુદ્દે પુત્રી સનાએ સોશ્‍યલ મીડિયામાં પોસ્‍ટ વાયરલ કરતા પિતા સૌરવ ગાંગુલીએ વચ્‍ચે કૂદવુ પડયુ

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીએ પણ આ મામલે સોશિયલ મીડિયા પોસ્ટ કરી. તેની પોસ્ટ નાગરિકતા સંશોધન કાયદાને લઈને સવાલ ઉઠાવનારી હતી. બહુ જલદી આ પોસ્ટ વાઈરલ થઈ ગઈ. વિવાદ વધતો જોઈને સૌરવ ગાંગુલીએ વચ્ચે કૂદવું પડ્યું. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે સનાને કોઈ વિવાદમાં ન ઢસડો. તેની ઉંમર હજુ બહુ નાની છે.

          સના ગાંગુલીએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. સનાએ તેમાં લેખક ખુશવંત સિંહના પુસ્તક 'ધ એન્ડ ઓફ ઈન્ડિયા'નું એક પેજ શેર કર્યું હતું. જેમા લખ્યું છે કે "દરેક ફાસીવાદી શાસનને ફળદ્રુપ થવા માટે એવા સમુદાયો અને સમૂહોની જરૂર હોય છે જેના પર તે અત્યાચાર કરી શકે. તેની શરૂઆત એક કે બે સમૂહોથી થાય છે પરંતુ તે ક્યારેય સમાપ્ત થતું નથી. નફરતના આધાર પર શરૂ થયેલું આંદોલન ત્યાં સુધી જ ચાલી શકે છે જ્યાં સુધી ભય અને સંઘર્ષનો માહોલ બની રહે. આજે આપણામાંથી જે લોકો એ વિચારીને પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે તેઓ મુસ્લિમ કે ઈસાઈ નથી, તેઓ મુરખોની દુનિયામાં જીવી રહ્યાં છે."

           સનાની આ પોસ્ટ હવે ઈન્સ્ટાગ્રામમા નથી. તેને ડિલિટ કરી દેવાઈ છે. જો કે આ પોસ્ટનો સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. સનાની પોસ્ટની બીજી લાઈનમા સંઘ પર નિશાન સાધવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે "સંઘ હંમેશાથી એવા યુવાઓને નિશાન બનાવે છે જે ડાબેરી ઈતિહાસકારો અને પશ્ચિમ સંસ્કૃતિથી પ્રભાવિત છે. ભવિષ્યમાં તે મહિલાઓને પણ નિશાન બનાવશે જે સ્કર્ટ પહેરે છે અથવાતો તેમને નિશાન બનાવશે જે માંસ ખાય છે અને દારૂ પીવે છે, વિદેશી ફિલ્મો જુએ છે, મંદિર જતા નથી, જે દંત મંજનની જગ્યાએ ટૂથપેસ્ટ વાપરે છે. જે વૈદ્યની જગ્યાએ એલોપેથિક ડોક્ટર પાસે જઈને સારવાર કરાવે છે. જે કોઈને મળે ત્યારે જય શ્રી રામ કહેવાની જગ્યાએ તેમની સાથે હાથ મિલાવે છે. કોઈ સુરક્ષિત નથી. જો આપણે ભારતને જીવતું રાખવાની આશા રાખીએ  તો આ સમજવું પડશે."

              સનાની આ પોસ્ટ વાઈરલ થઈ જતા જ પિતા સૌરવ ગાંગુલીએ વચ્ચે કૂદવું પડ્યું. મામલો સંભાળવા માટે પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને કહ્યું કે "કૃપા કરીને સનાને આવા મામલાઓમાં ન ઢસડો... તેની આ પોસ્ટ યોગ્ય નથી...હજુ રાજકારણ સમજવા માટે તેની ઉંમર બહું નાની છે."

              અત્રે જણાવવાનું કે મોટાભાગના ખેલાડીઓએ નાગરિકતા સંશોધન કાયદા પર ચૂપ્પી સાંધી રાખી છે. ઈરફાન પઠાણ અને આકાશ ચોપડાએ જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થતા ટ્વીટ જરૂર કરી હતી.

(4:58 pm IST)