Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ઈન્ટરનેટ વાપરવા લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે

કાશ્મીરમાં પ્રતિબંધનો સામનો કરે છે 'ઈન્ટરનેટ એકસપ્રેસ'

શ્રીનગરઃ. કલમ ૩૭૦ હટાવ્યા પછીથી કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. અફવાની આગમાં કાશ્મીર ન હોમાય એ માટે પ્રશાસને આ પ્રતિબંધ મુકેલો છે. ડીજીટલ ક્રાંતિના આ યુગમાં ઈન્ટરનેટ બંધ થવાથી યુવાઓ અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે સુરક્ષા માટે તે જરૂરી હોવાનું કાશ્મીરના લોકો માની રહ્યા છે.

આ સ્થિતિમા જરૂરી કામો પતાવવા માટે કાશ્મીરના યુવાઓ અને વેપારીઓએ એક નવી રીત અપનાવી છે. બારામુલ્લાથી જમ્મુ વિભાગના બનીહાલ જતી ટ્રેન જેને આજકાલ ઈન્ટરનેટ ટ્રેન કહેવામાં આવે છે. તેમા બેસીને લોકો ઈન્ટરનેટની દુનિયામાં જાય છે અને કામ પુરૂ કરીને ટ્રેનમાં જ પાછા ઘરે આવે છે. બારામુલ્લા સ્ટેશન પર સવારથી મોટી સંખ્યામાં યુવાઓ આવી જાય છે અને ટ્રેનમાં સવાર થઈને ફકત ૩૦ રૂપિયાની ટીકીટ લઈને બધા ઈન્ટરનેટ ઝોનમાં પહોંચી જાય છે. બનીહાલ જમ્મુ વિભાગમાં આવે છે એટલે ત્યાં ઈન્ટરનેટની બ્રોડબેન્ડ સેવાઓ ચાલુ છે. અહીં ૩૫૦ રૂપિયા પ્રતિ કલાકના લઈને ૧૨ દુકાનો ઈન્ટરનેટ સેવાઓ આપે છે.

આમિર અહમદ નામના એક કાશ્મીરી વિદ્યાર્થીએ કહ્યુ કે ઈન્ટરનેટ એકસપ્રેસમાં તેને બહુ સારો અનુભવ થયો. નીટનું ફોર્મ ભરવા તેને અહીં આવવુ પડયુ હતુ. સરકારે કાશ્મીરમાં કેટલાક ઈન્ટરનેટ સુવિધા કેન્દ્રો સ્થાપ્યા છે પણ તે મોટી સંખ્યામાં આવતા વિદ્યાર્થીઓ માટે પૂરતા નથી એટલે દોઢ કલાકમાં ૧૬૦ કિલોમીટરનું અંતર કાપીને અહીં આવ્યો હતો પણ મને ખુશી એ વાતની છ ેકે મારૂ કામ થઈ ગયું.

વેપારીઓ બાકી ટેક્ષ જમા કરવા માટે પણ આમ જ કરે છે. શ્રીનગરના એક વેપારી સજ્જાદ એહમદે કહ્યું કે સરકારે અમને ડીસેમ્બરના અંત પહેલા કરો ચુકવી આપવાની મુદ્દત આપી છે. કાશ્મીરમાં અમે છેલ્લા ચાર મહિનાથી કર જમા નથી કરાવી શકયા હવે સરકારી કાર્યવાહીથી બચવા માટે અમે કરની ચુકવણી માટે બનીહાલ જઈએ છીએ. સવારે લગભગ ૧૦ વાગ્યે અહીં ભીડ થઈ જાય છે અને બપોરે ૩ વાગ્યે ઓછી થવા લાગે છે.

(3:47 pm IST)