Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ભાજપને જોરદાર ફટકો

NRC મામલે ટેકો આપવા પટનાયકની ના

અત્યાર સુધી દરેક બિલ પાસ કરવા બીજેડીએ ભાજપને ટેકો આપ્યો છે

નવી દિલ્હી, તા. ૧૯ : એક અઠવાડીયા પહેલા સંસદના બંન્ને ગૃહોમાં નાગરિકતા સંશોધન બિલ (સીએબી) પર ભાજપાને ટેકો આપનાર ઓરિસ્સાના મુખ્ય પ્રધાન અને બીજુ જનતા દળ (બીજેડી)ના અધ્યક્ષ નવીન પટનાયકે દેશભરમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી)ને લાગુ કરવાનો વિરોધ કર્યો છે. એનઆરસીનો વિરોધ કરનારા તે સાતમાં મુખ્ય પ્રધાન બની ગયા છે. નવીન પટનાયકે ગઇકાલે કહ્યું, 'નાગરિકતા સંશોધન કાયદાને ભારતીય નાગરિકો સાથે કોઇ લેવા દેવા નથી તે ફકત વિદેશીઓ સાથે સંબંધિત છે. લોકસભા અને રાજયસભા એમ બંન્ને ગૃહોમાં બીજુ જનતા દળના સાંસદોએ સ્પષ્ટ કરી દીધું છે કે અમે એનઆરસીનું સમર્થન નથી કરતા. હું રાજયના નાગરિકોને અપીલ કરીશ કે તેઓ શાંતિ જાળવી રાખે અને અફવાઓ ન ફેલાવે.'

પુરી લોકસભા બેઠકના બીજેડી સાંસદ પિનાકી મિશ્રાએ પત્રકારને કહ્યું, 'એનઆરસીમાં લોકોને નિશાન બનાવવાની પૂરેપૂરી શકયતા છે. તેના હેઠળ કોઇ પણ નાગરિકને તેની નાગરિકતા સાબિત કરવાનું કહી શકાય છે. હું મારી નાગરિકતા સાબિત નહીં કરી શકું, મારી પાસે  બર્થ સર્ટીફીકેટ પણ નથી.' ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જ ભાજપાના નેતૃત્વવાળા એનડીએમાં સહયોગી પક્ષ જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્ય પ્રધાન નિતિશકુમારે પણ એનઆરસીને દેશભરમાં લાગુ કરવાનો વિરોધ કર્યો છે. તેમના પક્ષે પણ સંસદમાં સીએબીની તરફેણમાં મતદાન કર્યું હતું. નવિન પટનાયક અને નીતિશકુમાર ઉપરાંત પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી, કેરળના પી વિજયન, પંજાબના કેપ્ટન અમરિન્દરસિંહ, રાજસ્થાનના અશોક ગેહલોત અને છત્તીસગઢના ભૂપેશ બધેલ એમ સાત મુખ્ય પ્રધાનોએ એનઆરસીને દેશભરમાં લાગુ કરવાનો વિરોધ કર્યો છે.

વિપક્ષની દળોના પાંચ મુખ્ય પ્રધાનોએ તો નાગરિકતા સંશોધન કાયદો પણ લાગુ કરવાની ના પાડી છે. દિલ્હીની આમ આદમી પાર્ટી અને તેલંગાણાની સતાધારી તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ પણ એનઆરસીનો વિરોધ કર્યો છે. આ બંન્ને પક્ષોએ પણ સંસદમાં સીએબીનો વિરોધ કર્યો હતો.

(11:02 am IST)