Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

CAA મામલે અમે UPA સાથે નથી

શિવસેનાની કોંગ્રેસને સ્પષ્ટ વાત

નવી દિલ્હી તા.૧૯: નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ રાષ્ટ્રપતિને મળનારા વિરોધ પક્ષોના  પ્રતિનિધિમંડળથી અલગ રહેનાર ઉધ્ધવ ઠાકરેના પક્ષ શિવસેનાએ પોતાની સફાઇ આપી છે. શિવસેનાએ નાગરિકતા કાયદા પર વિપક્ષોથી અલગ રહેવા અંગે કહ્યુ કે વિપક્ષોના  પ્રતિનિધિ મંડળમાં સામેલ થવાનુ કોઇ કારણ નહોતુ. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે અમારે વિપક્ષો સાથે શા  માટે જવુ પડે આ એક પ્રકારનો નકામો સવાલ છે

સંજય રાઉતે એક પ્રશ્નનો જવાબ આપતા ચોખ્ખે ચોખ્ખુ કહ્યુ કે મહારાષ્ટ્રમાં શિવસેનાનુ જોડાણ ભલ કોંગ્રેસ અને એનસીપી સાથે થયુ હોય પણ દિલ્હીમા તેની ઓળખ છે. તેમણે ચોખવટ કરી કે શિવસેના યુપીએની સાથે નથી. અને એનડીએમાંથી બહાર ભલે હોય પણ યુપીએમાં નથી. સંસદમાં અમારી અલગ ઓળખ છે.

ઉલ્લેખનિય છે કે લોકસભામાં શિવસેનાએ નાગરિકતા સંશોધન બિલને પોતાનો ટેકો આપ્યો હતો.  જ્યારે કોંગ્રેસ આ બિલનો   વિરોધ ત્યારથી કરે છે જ્યારે ચાર વર્ષ પહેલા મોદી સરકાર સંસદમાં પહેલીવાર આનો પ્રસ્તાવ લાવી હતી. જો કે નાગરિકતા સંશોધન બીલ પર મતદાન વખતે શિવસેનાએ વોક આઉટ કર્યો હતો.

જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન બિલને સંસદના બંન્ને ગૃહોમાં મંજુરી મળી ગઇ છે અને હવે તે કાયદો બની ગયો છે. દેશના ઘણા હિસ્સામાં તેના વિરુધ્ધ  પ્રદર્શનો થઇ રહ્યા છે. કાયદો બની જવાથી હવે બાંગ્લાદેશ, પાકિસ્તાન  અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી શકે છે. કોંગ્રેસની આગેવાનીમાં  વિપક્ષી દળોનુ એક પ્રતિનિધીમંડળ રાષ્ટ્રપતિને મળીને આ કાયદો પાછો લેવાની વિનંતી કરી ચૂકયુ છે. આ પ્રતિનિધી મંડળમાં શિવસેના સામેલ નહોતી થઇ.

(10:42 am IST)