Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

બ્રિટિન સરકારમાં ભારતીય મૂળ બે સાંસદોએ ભગવદ્ ગીતા પર હાથ રાખી લીધા શપથ

આગ્રામાં જન્મેલા આલોક શર્મા અને ઇન્ફોસિસના એનઆર નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનાકે યુકેની સંસદમાં શપથ લીધા

નવી દિલ્હી :બ્રિટનના ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ સહીત ત્રણ ભારતીય મૂળના પ્રધાનોએ વડા પ્રધાન બોરીસ જ્હોનસનની કેબિનેટ 'પીપલ્સ કેબિનેટમાં પોતાનો હોદ્દો જાળવી રાખ્યો છે. નવા ચૂંટાયેલા સાંસદ અને મંત્રીઓ મંગળવારે હાઉસ ઓફ કોમન્સ પરત ફર્યા હતા. બ્રિટીશ કેબિનેટ પ્રધાન આલોક શર્મા અને ટ્રેઝરીના મુખ્ય સચિવ ઋષિ સુનાકને મંગળવારે નવા હાઉસ ઓફ કોમન્સમાં સંસદ સભ્ય તરીકે શપથ લીધા હતા .

આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ એવા આગ્રામાં જન્મેલા 52 વર્ષના આલોક શર્મા ચોથી વખત રીડિંગ વેસ્ટમાંથી ચૂંટાયા છે, જ્યારે 39 વર્ષીય ઋષિ સુનાક ફરીથી યોર્કશાયરના રિચમંડથી ત્રીજી વખત ચૂંટાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઋષિ સુનાક ઇન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિના જમાઈ છે. આ બનેં સાસંદોએ યુકેની સંસદમાં ભગવદ્ ગીતા પર હાથ મુકી ગુપ્તતાનાં શપથ લીધા હતા.

આલોક શર્મા અને સુનાકે ભગવદ્ ગીતાની નકલ તેમના હાથમાં રાખીને શપથ લીધા હતા. ગીતાની એક નકલ પકડી રાખીને, આલોક શર્મા અને સુનાકે શપથના માનક શબ્દો સાથે કહ્યું કે,: 'હું (સદસ્યનું નામ) સર્વશક્તિમાન ભગવાનની શપથ લેઉં છું કે, કાયદા અનુસાર હું સર્વોચ્ચ મહારાણી એલિઝાબેથ પ્રત્યેની સાચી વફાદારી રાખીશ.' તેથી ભગવાન મારી સહાય કરો '.

નોંધપાત્ર વાત એ છે કે, ચૂંટણી બાદ મંત્રીમંડળની સંસદના પહેલા સત્ર પહેલા મંગળવારે બેઠક થઈ હતી. કન્ઝર્વેટિવ પાર્ટીએ ગત સપ્તાહે સામાન્ય ચૂંટણીમાં ધરખમ જીત સાથે બહુમતી મેળવી હતી. જહોનસને તેની ટોચની ટીમમાં યથાવત્ સ્થિતિ જાળવવા માટે કેટલાક ખાલી કેબિનેટ પદો ભરવા માટે જેને 'પીપલ્સ કેબિનેટ' કહે છે તેના પર ખૂબ જ મર્યાદિત ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય મૂળના ત્રણ પ્રધાનો, જેમણે તેમની બેઠકો પર વિજય મેળવ્યો છે, તેઓને તેમની જગ્યાઓ પર જાળવી રાખવામાં આવ્યા છે.

પટેલ ફરી એકવાર યુકેનું ગૃહ પ્રધાન પદ સંભાળશે. સાંસદ આલોક શર્મા આંતરરાષ્ટ્રીય વિકાસ પ્રધાન બનશે. ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણા મૂર્તિના જમાઈ ઋષિ સુનાક 'ટ્રેઝરીના મુખ્ય સચિવ' તરીકે ચાલુ રહેશે.

(1:11 am IST)