Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

લોટરી પર હવે ૨૮ ટકા જીએસટી અમલી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય

જીએસટી કાઉન્સિલની બેઠકમાં શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા : લોટરી પર પહેલી માર્ચ ૨૦૨૦થી ૨૮ ટકા જીએસટી રહેશે : જીએસટીઆર-૯ ભરવાની સમયમર્યાદા ૩૧ જાન્યુઆરી : લેન્ડ લિઝ જીએસટી રેટ અમલી

નવીદિલ્હી, તા. ૧૮ :  જીએસટી કાઉન્સિલની આજે અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે જીએસટી કાઉન્સિલે લોટરી માટે ૨૮ ટકાના યુનિફોર્મ ટેક્સ રેટ નક્કી કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. બીજી બાજુ જીએસટીઆર-૯ ભરવા માટેની સમય મર્યાદા ૩૧મી જાન્યુઆરી કરી દેવામાં આવી છે. લોટરી પર પહેલી માર્ચ ૨૦૨૦થી ૨૮ ટકા જીએસટી લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે ઔદ્યોગિક પાર્કની સ્થાપનામાં મદદ માટે ઔદ્યોગિક ભુખંડોના દીર્ઘકાલીન પટ્ટા પર જીએસટીને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્રીય મહેસુલ સચિવ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં આજે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. હાલમાં રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી લોટરી પર ૧૨ ટકા જીએસટી લાગૂ થાય છે. હવે લોટરી પર ૨૮ ટકા જીએસટી રહેશે. પહેલી માર્ચ ૨૦૨૦થી આને અમલી કરવામાં આવશે.

             આ ઉપરાંત અન્ય અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જુલાઈ ૨૦૧૭થી જીએસટીઆર-૧ દાખલ નહીં કરવા માટે પેનલ્ટીને હળવી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉની અને બિનઉની બેગ માટે યુનિફોર્મ ૧૮ ટકાનો રેટ નક્કી કરવામાં આવ્યો છે. કાઉન્સિલની બેઠકને લઇને પહેલાથી જ ચર્ચા ચાલી રહી હતી. વણેલા અને બિનવણેલા થેલા ઉપર જીએસટી રેટ ૧૮ ટકા રહેશે. અર્થતંત્રમાં મંદી વચ્ચે આજે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. ગ્રાહકોની સાથે સાથે ઇન્ડસ્ટ્રી પણ હાલમાં ભારે દબાણ હેઠળ છે. રેવેન્યુમાં થઇ રહેલા ઘટાડાની સાથે સાથે જીએસટી રેટમાં વધારાને લઇને સૂચનો થઇ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની બેઠક આજે મળી હતી જેમાં જીએસટીની સમીક્ષા, જુદી જુદી વસ્તુઓ ઉપર વળતર સેસના દરો સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલની બેઠક એવા

સમયે મળી છે જ્યારે જીએસટી વળતરની ચુકવણીમાં વિલંબ થઇ રહ્યો છે. વળતર જારી કરવાની શરૂઆત રાજ્ય તરફથી કરવામાં આવી ચુકી છે. સેન્ટ્રલ જીએસટી વસુલાત એપ્રિલ-નવેમ્બરના ગાળા દરમિયાન ૪૦ ટકા સુધી બજેટ અંદાજથી ઓછી રહી છે. આ બેઠકમાં આ વખતે પરોક્ષ કરવેરામાંથી મહેસુલને વધારવા કયા પગલા લેવામાં આવે તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં મળનારી જીએસટી કાઉન્સિલની આ બેઠક ૩૮મી બેઠક હતી. વળતર સેસ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપર આમા ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી નવા જીએસટી રિટર્ન માટેના માળખાને વધુ સરળ કરવાનો મુદ્દો પણ છવાયો હતો. જીએસટી કાઉન્સિલની બેઠકમાં જુદા જુદા રાજ્યો તરફથી ઉલ્લેખનીયરીતે રજૂઆત કરવામાં આવી હતી.

 

બેઠકના મોટા નિર્ણય..

*   લોટરી પર પહેલી માર્ચ ૨૦૨૦થી ૨૮ ટકા જીએસટી. હાલમાં રાજ્યો દ્વારા લોટરી પર ૧૨ ટકા જીએસટી છે

*   જીએસટીઆર-૯ ભરવાની સમય મર્યાદા ૩૧મી જાન્યુઆરી કરી દેવાઈ

*   પહેલી જાન્યુઆરી ૨૦૨૦ લેન્ડ લિઝ જીએસટી રેટ લાગૂ થશે

*   વણેલા અને બિનવણેલા થેલા પર જીએસટી દર ૧૮ ટકા રહેશે

*   ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપિત કરવા માટેની સુવિધા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પર લાંબા ગાળાના ભાડા પટ્ટેમાં મુક્તી

*   કોઇપણ નિર્ણય લેતા પહેલા રેવેન્યુ ઉપર ડેટામાં અભ્યાસ કરાશે

*   જુલાઈ ૨૦૧૭થી જીએસટીઆર-૧ના દાખલ નહીં કરવાના મામલામાં દંડની રકમ દૂર કરી દેવાઈ

*       ઇન્પુટ ટેક્સ ક્રેડિટ અગાઉ ૨૦ ટકાથી ઘટાડી દેવામાં આવી

(10:17 pm IST)