Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

શરૃઆતના ઘટાડા બાદ સેન્સેક્સમાં ૩૦૦ અને નિફ્ટીમાં ૯૧ પોઈન્ટનો ઊછાળો

વૈશ્વિક બજારોમાં નબળાઈથી ભારતીય શેરબજારની શરૃઆત ઘટાડા સાથે થઈ : પીએસયુ બેન્ક અને મેટલના શેરમાં આજે ઉછાળો જોવા મળ્યો, યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની ચિંતા પર રોકાણકારો પ્રારંભિક વેપારમાં સાવચેત રહ્યા

મુંબઈ, તા.૧૯  : યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાનું દબાણ આ દિવસોમાં વિશ્વભરના બજારોમાં પ્રભુત્વ ધરાવે છે. ભારતીય બજાર પણ આમાં અપવાદ નથી. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું પરંતુ બાદમાં ખરીદારી વધુ તીવ્ર બની હતી. છેલ્લા ટ્રેડિંગ સેશન બાદ નિફ્ટી ૯૧ પોઈન્ટ વધીને ૧૭૬૨૨ પર અને સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટ વધીને ૫૯૧૪૧ પર બંધ થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારોમાં નબળાઈના કારણે સોમવારે ભારતીય શેરબજારની શરૃઆત ઘટાડા સાથે થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ ૨૯૯ પોઈન્ટ ઘટીને ૫૮,૫૪૧ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૮૯ પોઈન્ટ ઘટીને ૧૭,૪૪૧ પોઈન્ટ પર ખુલ્યો હતો. પીએસયુ બેક્ન અને મેટલના શેરમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો.

આજે ઈન્ટ્રા-ડે ટ્રેડમાં લગભગ ૧૬૬૫ શેર વધ્યા હતા, ૧૮૫૨ શેર ઘટ્યા હતા અને ૧૨૭ શેર યથાવત રહ્યા હતા. ક્ષેત્રોમાં મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકા ઘટ્યા હતા, જ્યારે એફએમસીજી અને પીએસયુ બેક્ન ઇન્ડેક્સ ૧-૨ ટકા વધ્યા હતા.

યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની ચિંતા પર રોકાણકારો પ્રારંભિક વેપારમાં સાવચેત રહ્યા હતા. પીએસયુ બેક્ન ઇન્ડેક્સ ૨% ઉછળ્યો. આજે એફએમસીજી શેર નફામાં હતા અને ફાર્મા દબાણ હેઠળ રહ્યા હતા. એમએન્ડએમ, અદાણી પોર્ટ્સ અને બજાજ આજે વધનારાઓમાં હતા, જ્યારે સિપ્લા, ટાટા સ્ટીલ અને બ્રિટાનિયા પાછળ પડ્યા હતા. શુક્રવારે વોલ સ્ટ્રીટ નીચામાં બંધ રહ્યું હતું અને સોમવારે સવારે એશિયન બજારો સાવચેત રહ્યા હતા.

એમએન્ડએમ, બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઇફ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં આજે વધારો થયો હતો, જ્યારે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, બ્રિટાનિયા, જેએસડબલ્યુ સ્ટીલ અને એનટીપીસીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

 

(7:17 pm IST)