Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને 25 હજારનો દંડ ફટકારાયો :ચંડીવાલ કમિટી સમક્ષ હાજર થયા ન હતા

હવે સમિતિએ પરમબીરને 25 ઓગસ્ટના રોજ તેમની સમક્ષ હાજર થવા કહ્યું

મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વસૂલી કેસની તપાસ કરી રહેલી એક-સભ્ય તપાસ ટીમના વડા અને બોમ્બે હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ કૈલાસ ઉત્તમચંદ ચંદીવાલએ પરમબીર સિંહ પર આ દંડ લગાવ્યો છે.

તેમના પર આરોપ છે કે, ઘણી વખત બોલાવવા છતાં તે સમિતિ સમક્ષ હાજર થયા ન હતા. પરમબીરને એક છેલ્લી તક આપતા તપાસ સમિતિએ તેમને સમયસર તેમની સમક્ષ હાજર થવાનું કહ્યું છે, અન્યથા તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

પરમબીરને મોકલવામાં આવેલા નવા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં તેમણે કોવિડ-19 માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે. સમન્સમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેમની હાજરી ન મળવાથી તપાસ બંધ થશે નહીં, હવે સમિતિએ પરમબીરને 25 ઓગસ્ટના રોજ તેમની સમક્ષ હાજર થવા કહ્યું છે.

રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા 100 કરોડ રૂપિયાની વસૂલાતના આરોપોની ન્યાયિક તપાસ કરવા માટે 30 માર્ચે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક સભ્યની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ જ કેસમાં 3 મેના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં રાજ્ય સરકારે તપાસ સમિતિને સિવિલ કોર્ટની સત્તાઓ આપી છે.

(12:23 am IST)