Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

બુર્કિના ફાસોમાં આઇએસના આતંકવાદીઓનો હુમલો : ૧૭ સુરક્ષાદળોના જવાનો સહિત ૪૭ લોકોનાં મોત

બુર્કિના ફાસોમાં અલકાયદા અને આઈએસના આતંકવાદીઓએ તરખાટ મચાવ્યો છેલ્લાં થોડાં દિવસમાં ત્રણ મોટા હુમલા

વાગાડૂગુ :પશ્વિમ આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં આઈએસના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એમાં ૧૭ સુરક્ષાદળોના જવાનો સહિત કુલ ૪૭ લોકોનાં મોત થયા હતા.

બુર્કિના ફાસોના ઉત્તરી પ્રાંત સહેલમાં એક આતંકવાદી હુમલો થયો હતો. એમાં ૩૦ નાગરિકો અને ૧૭ સૈનિકો સહિત કુલ ૪૭નાં મોત થયા હતા. હુમલો આઈએસના આતંકવાદીઓએ કર્યો હોવાનું સ્થાનિક સરકારી અધિકારીઓએ કહ્યું હતું. બુર્કિના ફાસોમાં અલકાયદા અને આઈએસના આતંકવાદીઓએ તરખાટ મચાવ્યો છે. છેલ્લાં થોડાં દિવસમાં ત્રણ મોટા હુમલા થયા હતા. અગાઉ ઉત્તરી પ્રાંતમાં જ એક હુમલો થયો હતો, જેમાં ૧૫ સૈનિકો અને ચાર સ્વયંસેવકોના મોત થયા હતા. તે પછી પશ્વિમ પ્રાંતમાં એક હુમલો થયો હતો, જેમાં ૧૨ નાગરિકો માર્યા ગયા હતા.
બુર્કિના ફાસોમાં છેલ્લાં ૧૫ દિવસમાં ત્રણ મોટા હુમલા થયા હતા, જેમાં ૩૫ જેટલા સૈનિકો સહિત ૭૮ લોકોનાં મોત થયા હતા.
મોરોક્કો સ્થિત પબ્લિક પોલિસી ફોર ધ ન્યૂ સાઉથના રીપોર્ટમાં ચિંતા વ્યક્ત કરતા કહેવાયું હતું કે બુર્કિના ફાસોમાં સૈનિકો ઉપર આતંકવાદીઓ ભારે પડી રહ્યા છે. તેના કારણે લોકોની સલામતી જોખમમાં મૂકાઈ ગઈ છે.
રીપોર્ટ પ્રમાણે અલકાયદા અને આઈએસના આતંકવાદી હુમલાના કારણે બુર્કિના ફાસોના વિવિધ પ્રાંતોમાંથી ૧૩ લાખ જેટલાં લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.

(12:11 am IST)