Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોના જુલુસ પર ગ્રેનેડ હુમલો : ત્રણ લોકોના મોત : 60 લોકો ઘાયલ

પંજાબ પ્રાંતના બહાવલનગરમાં હુમલો : હુમલાખોરની ધરપકડ : સમગ્ર વિસ્તારમાં તંગદિલી

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલનગરમાં શિયા મુસ્લિમો જુલૂસ કાઢી રહ્યા હતા ત્યારે ગ્રેનેડ હુમલો થયો હતો. એ હુમલામાં ત્રણનાં મોત થયા હતા અને 60 કરતાં વધુને ઈજા થઈ હતી. હુમલાખોરની તુરંત પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના પછી પંજાબપ્રાંતમાં તંગદિલી સર્જાઈ છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા બહાવલનગરમાં શિયા મુસ્લિમો મોહરમ નિમિત્તે જુલૂસ યોજી રહ્યા હતા. જુલૂસ ગીચ વસતિ ધરાવતા શહેરના વિસ્તારમાંથી નીકળ્યું ત્યારે એક હુમલાખોરે જુલૂસ ઉપર ગ્રેનેડ એટેક કર્યો હતો. એ એટેકમાં સાત વર્ષની છોકરી સહિત કુલ ત્રણના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. હુમલો કરનારા શખ્સની પોલીસે તુરંત ધરપકડ કરી લીધી હતી. તેની પૂછપરછ શરૃ કરાઈ હોવાનું પંજાબ પ્રાંતના પોલીસ અધિકારીએ કહ્યું હતું.
60થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો મદદના પોકારો કરતા હતા ત્યારે લોકો તેમને મદદ કરવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા. એ ઘટનાના વીડિયો પણ પાકિસ્તાનમાં વાયરલ થયા હતા. શિયા સમુદાય ઉપર હુમલો થયો તે પછી શિયા સમુદાયના નેતાઓએ હુમલાખોરો ઉપર તુરંત કાર્યવાહીની માગણી કરી હતી. પાકિસ્તાનના શિયા નેતાઓએ શિયા સમુદાયના જૂલૂસ વખતે દેશભરમાં સુરક્ષા વધારવાની માગણી પણ સરકાર સમક્ષ કરી હતી.

(12:06 am IST)