Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

હવે આતંકવાદીઓએ અપની પાર્ટીના ઝોનલ પ્રમુખની હત્યા કરી

અપની પાર્ટીના નેતા ગુલામ હસન લોન કુલગામમાં દેવસર ખાતેના નિવાસસ્થાનની બહાર ઉભા હતા કે અચાનક આતંકીઓએ ગોળીબાર કર્યો

(સુરેશ એસ દુગ્ગર દ્વારા ) જમ્મુ : કુલગામના દેવસર વિસ્તારમાં અપની પક્ષના નેતા અને તેના ઝોનલ પ્રમુખ ગુલામ હસન લોનના ઘરે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.નેતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ વિસ્તારમાં આતંકીઓની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે

 . મળતી માહિતી મુજબ ગુરુવારે સાંજે અપની પાર્ટીના નેતા ગુલામ હસન લોન કુલગામમાં દેવસર ખાતેના તેમના નિવાસસ્થાનની બહાર ઉભા હતા કે અચાનક આતંકીઓએ તેમના પર ગોળીબાર કરી દીધો. આ હુમલામાં ગુલામ હસન ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં થોડા સમય બાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. હુમલા બાદ તરત જ સુરક્ષાદળો અને પોલીસે આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અત્યાર સુધી આ આતંકવાદી હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી, પરંતુ આ હુમલામાં હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ જણાવવામાં આવી રહ્યો છે. દરમિયાન, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ અપની પાર્ટીના નેતા ગુલામ હસન લોન પર દેવદાસરમાં આતંકવાદીઓએ કરેલા હુમલાને ડરપોક ગણાવ્યો છે. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે કુલગામમાં ગુલામ હસન લોનની હત્યાના સમાચાર મળ્યા છે. હું આની સખત નિંદા કરું છું. હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે તે દિવંગત આત્માને સ્વર્ગ આપે.

(11:02 pm IST)