Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

મહિલાઓ દ્વારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ડિલિટ

તાલિબાનના કબજા બાદ અફઘાની મહિલાઓમાં ડર : મહિલા બ્યુટિશિયનોએ સલૂન બહારથી પોસ્ટરો હટાવ્યા ડોકટરોની હવે પુરુષ દર્દીઓને તપાસવા માટે આનાકાની

કાબુલ, તા.૧૯ : તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કરાયેલા કબ્જાના ચાર દિવસમાં અફઘાન મહિલાઓની જીંદગીમાં ઉથલ પાથલ મચી ગઈ છે. તાલિબાનોના ડરથી હવે અફઘાન મહિલાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલિટ કરવા માંડ્યા છે.પોતાનુ કામકાજ પણ આટોપવા માંડ્યુ છે. મહિલા પત્રકારો કોમ્પ્યુટરમાંથી પોતાની ફાઈલો ડિલિટ કરી રહી છે તો મહિલા બ્યુટિશિયનોએ સલૂન બહારથી પોસ્ટરો હટાવવા માંડ્યા છે.મહિલા ડોકટરો હવે પુરુષ દર્દીઓને તપાસવા માટે આનાકાની કરી રહી છે. એક એવોર્ડ વિજેતા મહિલા પત્રકારનુ કહેવુ છે કે, મારી ઘરની બહાર નિકળવાની હિંમત થઈ રહી નથી. મહિલા પત્રકારે તાલિબાનના વર્તાવ અંગે અગાઉ ખુલાસા કર્યા હતા.મહિલા પત્રકારનુ કહેવુ છે કે, મેં મને મળેલા એવોર્ડ પણ સંતાડી દીધા છે.

કાબુલમાં ભણાવતી શિક્ષિકાનુ કહેવુ છે કે, મને ખબર નથી કે મારી નોકરી ચાલુ રહેશે કે નહીં.કારણકે તાલિબાને પ્રાથમિક સ્કૂલો સિવાય ગર્લ્સને ભણાવવા પર પ્રતિબંધ મુકી દીધો છે.હું ઈચ્છતી હતી કે મારી મોટી દીકરીઓ દેશ છોડી દે પણ તેમની પાસે પાસપોર્ટ નથી.

બીજી તરફ અમેરિકા, બ્રિટન અને કેનેડા સહિત દુનિયાના ૨૧ દેશોએ તાલિબાન સરકાર પાસે મહિલાઓની સુરક્ષાની ગેરંટી માંગી છે. દેશોએ સંયુક્ત નિવેદનમાં કહ્યુ છે કે, છેલ્લા ૨૦ વર્ષથી મહિલાઓને જે અધિકાર મળ્યા છે તે સુરક્ષિત રહેશે તેવી ગેરંટી તાલિબાન સરકારે આપવી જોઈએ.

(8:51 pm IST)