Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

તાલિબાનોએ અત્યાધુનિક હથિયારો પર કબજો જમાવ્યો

અફઘાન સેનાએ પીછેહટ કરતા તાલિબાનોને લાભ : આ હથિયારોમાં રશિયન એમઆઈ-૨૪ એટે હેલિકોપ્ટર, યુએસના યુએચ-૬૦ બ્લેક હોક હેલિકોપ્ટરનો સમાવેશ

કાબુલ, તા.૧૯ : અમેરિકન સૈનિકોની ઘર વાપસી બાદ તાલિબાને માત્ર દસ દિવસમાં અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી દીધો છે.

વધારે ચોંકાવનારી વાત છે કે, અફઘાન સેનાની પીછેહઠના કારણે તાલિબાનને અમેરિકા અને રશિયા જેવા દેશોના ઘાતક હથિયારો પણ કબ્જો કરવાનો મોકો મળી ગયો છે. હથિયારોમાં રશિયન બનાવટના એમઆઈ-૨૪ એટે હેલિકોપ્ટર, અમેરિકાના યુએચ-૬૦ બ્લેક હોક હેલિકોપ્ટર, રશિયન બનાવટના એમઆઈ પ્રકારના હેલિકોપ્ટર તેમજ બ્રાઝિલમાં બનેલા હળવા વજનના લડાકુ વિમાનોનો સમાવેશ થાય છે.

સાથે સાથે તાલિબાનને બખ્તરબંધ વાહનો પણ મળી ગયા છે.જેમાં અમેરિકન હમવી પ્રકારના વાહનોનો સમાવેશ થાય છે.સેંકડોની સંખ્યામાં લશ્કરી ટ્રકો પણ તાલિબાનને મળી ગઈ છે.જેનો ઉપયોગ હથિયારો અને સૈનિકની હેરફેરમાં થતો હોય છે.

અફઘાન સેના મોટી સંખ્યામાં હજારો ગ્રેનેડ, રોકેટ, બંદુકો અને લાખો કારતૂસો તેમજ મોટી સંખ્યામાં દારુગોળો છોડી ગઈ છે.અમેરિકાનુ સ્કેન ઈગલ ડ્રોન પણ તાલિબાનના હાથમાં આવી ગયુ છે.રશિયામાં બનાવાયેલા ટી-૫૫ ટેક્ન તેમજ અમેરિકાના ૫૦થી વધારે એમ-૧૧૧૭ ટેક્ન તાલિબાનના કબ્જામાં છે. હથિયારો અફઘાન સેનાને આપવામાં આવ્યા હતા.

જોકે કયા હથિયાર કેટલી માત્રામાં તાલિબાન પાસે છે તે તો ખબર નથી પડી પણ અફઘાન સેનાની પીછેહઠથી તાલિબાન શસ્ત્ર સરંજામની રીતે વધારે મજબૂત બની ચુકયુ છે.તાલિબાન સામે  હવે વિરોધી સંગઠનોની લડાઈ આ હથિયારોના કારણે વધારે મુશ્કેલ બનશે.

(7:42 pm IST)