Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

અફઘાનિસ્તાનમાં લોકશાહી નહીં હોય, શરિયા કાયદો લાગુ કરાશે

અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાને લઈને વાટાઘાટો જારી : નવી સરકાર ન રચાય ત્યાં સુધી એક કાઉન્સિલ દેશનો વહિવટ સંભાળશે, હાલ અફઘાનિસ્તાનના નેતાઓ, સેનાના ઓફિસર્સ સાથે તાલિબાનોની ચર્ચા

કાબુલ, તા.૧૯ : જ્યાં સુધી તાલિબાન અફઘાનિસ્તાનમાં પોતાની નવી સરકારની રચના કરી લે ત્યાં સુધી એક કાઉન્સિલ દ્વારા આખા દેશને ચલાવવામાં આવશે. તાલિબાનીઓ હાલ અફઘાનિસ્તાનના નેતાઓ, સેનાના ઓફિસર્સ સાથે ચર્ચા ચાલુ રાખશે અને નવી સરકારના ફ્રેમવર્ક પર કામ કરવામાં આવશે.

એક તાલિબાની નેતાએ જણાવ્યું કે, તાલિબાન તમામ નેતાઓ ઓફિસર્સ સાથે વાત કરી રહ્યું છે અને બધા સાથે વાત કર્યા બાદ નવી સરકારની રચના કરવામાં આવશે. જોકે હાલ કાઉન્સિલ અફઘાનિસ્તાનને ચલાવશે અને હૈબાતુલ્લાહ અખુંડઝાડા તેની આગેવાની કરી શકે છે. તાલિબાની કમાન્ડરના કહેવા પ્રમાણે તેમની નવી સરકારને લઈ હજુ અનેક બાબતો સ્પષ્ટ કરવાની છે પરંતુ એક વસ્તુ નક્કી છે કે, અફઘાનિસ્તાનમાં લોકશાહી નહીં હોય. અમારા ત્યાં લોકશાહી સિસ્ટમનો બેઝ નથી માટે સ્પષ્ટ છે કે, મુલ્કમાં ફક્ત શરિયા કાયદો લાગુ કરવામાં આવશે. તાલિબાની નેતાઓએ થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈની મુલાકાત લીધી હતી. આગામી દિવસોમાં કતારના દોહા ખાતે યોજાનારી બેઠકમાં હામિદ કરજઈ પણ સામેલ થશે અને ત્યાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકાર બનાવવાને લઈ ચર્ચા કરવામાં આવશે.

(7:32 pm IST)