Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

મોદીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે : મનસુખભાઇનો હુંકાર

દેશના ૫૫ કરોડથી વધુ નાગરિકોએ કોરોના વેકસીનનો ડોઝ લઇ લીધો : ટાંચા સાધનોની મદદથી કોરોના સામે વિશ્વની સાથે ભારત પડખે ઉભું રહ્યું : ભાજપના કાર્યકર્તા તથા ડોકટરોને કેન્દ્રીય મંત્રીનું સંબોધન

રાજકોટ તા. ૧૯ : દેશના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુકત મંત્રીઓ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રા થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન જન સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા શરૂ થઇ છે. આ યાત્રા રેસકોર્ષ રીંગ રોડ, કિશાનપરા, મહિલા કોલેજ સહિતના રાજમાર્ગો પરથી ફરી બાલક હનુમાન મંદિર પેડક રોડ ખાતે સમાપન થયું હતું. ત્યારબાદ પેડક રોડ પરના અટલ બિહાર બાજપાઇ ઓડીટોરીયમ ખાતે ભાજપના કાર્યકર્તાઓ તથા શહેરના ડોકટરો સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ સંવાદ કર્યો હતો.

કાર્યકર્તાઓ તથા ડોકટરોને સંબોધતા શ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં મોદીના નેતૃત્વવાળી સરકારના સાત વર્ષ જનતાના આશિર્વાદ તથા સેવા કરી પુરા થયા છે અને લોકો સુધી કેન્દ્ર સરકારના વિકાસની માહિતી પહોંચાડવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ ખરેખર બદલી રહ્યો છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાં એક સમાનતા રાખી મંત્રીઓની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં ૪૩ નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. સૌના સાથ સૌના વિકાસથી દેશ આગળ વધી રહ્યો છે અને દેશ બદલાઇ રહ્યો છે. દરેક વર્ગની પ્રગતિ થઇ છે.

વધુમાં શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, લોકોના સાથ સહકારથી કોરોનાને હરાવવામાં આપણે સફળ રહ્યા છીએ. ભારત ટાંચા સાધનોની મદદથી કોરોના સામે વિશ્વની સાથે ઉભુ રહ્યું. કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિતની ટીમ સતત ડોકટરો તથા વૈજ્ઞાનિકો સાથે મીટીંગ કરી રહ્યા હતા.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, આજ દિન સુધીમાં ભારતમાં ૫૫ કરોડથી વધુ લોકોને વેકસીન આપી દેવામાં આવી છે. વેકસીનનું પ્રોડકશન વધી રહ્યું છે.

(4:04 pm IST)