Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ડી-માર્ટના માલિક વિશ્વના ૧૦૦ અમીરોની યાદીમાં સામેલ

રાધાકિશન દામાણી પાસે ૧.૪૨ લાખ કરોડની સંપત્તિ : બ્લુમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેકસ મુજબ

નવી દિલ્હી તા. ૧૯ : પ્રમુખ રિટેલ કંપની ડી-માર્ટના સંસ્થાપક રાધાકિશન દામાણી હવે વિશ્વના ૧૦૦ સૌથી ધનિક લોકોમાં સામેલ થયા છે. બ્લુમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેકસના જણાવ્યા મુજબ દામાણી ૧.૪૨ લાખ કરોડ રૂપિયાની સંપત્તિની સાથે ૯૮માં સ્થાન પર આવી ગયા છે. બ્લુમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેકસ વિશ્વના સૌથી અમીક લોકોની દૈનિક રેકીંગ છે.

રાધાકિશન દામાણી ઉપરાંત રિલાયન્સના માલિક મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી, શાપુરજી પાલોનજી ગ્રુપના પલોનજી મિસ્ત્રી, એચસીએલ ટેકનોલોજીના સ્થાપક શિવ નાદર અને આર્સેલર મિત્ત્।લ ગ્રુપના લક્ષ્મી મિત્તલ પણ આ યાદીમાં સામેલ છે.

નાણાકીય વર્ષ ૨૨ ના પ્રથમ કવાર્ટરમાં કંપનીનો એકલ ચોખ્ખો નફો ૧૩૨ ટકા વધીને ૧૧૫ કરોડ રૂપિયા થયો છે. જયારે એક વર્ષ પહેલા સમાન કવાર્ટરમાં કંપનીનો નફો ૫૦ કરોડ રૂપિયા હતો. જૂન કવાર્ટરમાં કંપનીની આવક ૩૧ ટકા વધીને ૫,૦૩૨ કરોડ રૂપિયા થઈ છે. જૂન ૨૦૨૦ કવાર્ટરમાં આ આંકડો ૩,૮૩૩ કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુકિત પહેલાંની કમાણી) રૂ. ૨૨૧ કરોડ હતી. એક વર્ષ પહેલા તે ૧૦૯ કરોડ રૂપિયા હતી. કંપનીનું EBITDA માર્જિન ૪.૪ ટકા રહ્યું, જે ગયા વર્ષે ૨.૮ ટકા હતું. અત્યારે BSE પર એવન્યુ સુપરમાર્ટ્સનો હિસ્સો ૩૬૫૧.૫૫ ના સ્તરે છે. અગાઉના સત્રમાં તે ૧૯.૦૫ પોઇન્ટ (+૦.૫૨ ટકા) વધ્યો હતો. કંપનીનું માર્કેટ મૂડી રૂ. ૨,૩૬,૫૩૮.૧૭ કરોડ છે.

તાજેતરમાં રાધાકિશન દામાણીએ દક્ષિણ મુંબઈના મલબાર હિલ્સ વિસ્તારમાં ૧,૦૦૧ કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો. દામાણીએ ૩% સ્ટેમ્પ ડ્યુટી ચૂકવીને ૩૧ માર્ચે નોંધણી કરાવી હતી. મુકિત બાદ પણ તેમણે ૩૦ કરોડની સ્ટેમ્પ ડ્યુટી આપી હતી. આ બે એકર બંગલા માટે તેમણે પ્રતિ ચોરસ ફૂટ ૧.૬૦ લાખ રૂપિયા ચૂકવ્યા છે. દામાણીએ સંજય ગાંધી નેશનલ પાર્કમાં ૮.૮ એકર જમીનમાં CCI પ્રોજેકટ્સ હેઠળ ૨૦૨૦ માં ૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પણ ખરીદી હતી.

(4:01 pm IST)