Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

રવિન્દ્રનાથ ટાગોર શ્યામ હતા માટે માતાએ ખોળામાં નહોતા લીધા

કેન્દ્રીય મંત્રી સુભાષ સરકારે કલકત્ત્।ામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી : સુભાષ સરકારની ટિપ્પણીની નિષ્ણાંતો અને નેતાઓ ટીકા કરી રહ્યા છે

કલકત્તા, તા.૧૯:  કેન્દ્રીય મંત્રી સુભાષ સરકારે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સુભાષ સરકારની ટિપ્પણી પછી એક નવો વિવાદ ઉભો થયો છે. સુભાષ સરકારે કહ્યું કે, નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના માતાએ તેમને બાળપણમાં ખોળામાં નહોતા લીધા કારણકે તેમનો રંગ ગોરો નહોતો.

ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીનો પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે. ટીએમસીએ કહ્યું કે તેમણે રાજયના એક પ્રભાવશાળી વ્યકિતત્વનું અપમાન કર્યું છે. જો કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના મંત્રીનો બચાવ કરતાં કહ્યું કે, તેમની ટિપ્પણી રંગભેદનો વિરોધ કરવા માટે હતી.

કેન્દ્રીય શિક્ષા રાજય મંત્રી પશ્ચિમ બંગાળમાં વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય પહોંચ્યા હતા. અહીં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમણે કાર્યક્રમમાં કહ્યું કે ટાગોરના પરિવારમાં તમામ લોકો ગોરા હતા પરંતુ રવિન્દ્રનાથ શ્યામ રંગના હતા. સુભાષ સરકારે કહ્યું કે, બે પ્રકારની ગોરી ત્વચા ધરાવતા લોકો હોય છે. એક જે ગોરા હોય છે અને પીળા રંગની આભા હોય છે. જયારે બીજા પ્રકારના લોકો ગોરા તો હોય છે પરંતુ લાલ રંગની આભા ધરાવતા હોય છે. ટાગોર બીજી શ્રેણીના હતા.

સુભાષ સરકારે કહ્યું કે, ટાગોરનો રંગ વધારે ગોરો નહોતો માટે તેમના માતા અને પરિવારના અન્ય સભ્યો તેમને ખોળામાં નહોતા લેતા. નિષ્ણાંતો અને રાજનેતાઓએ સુભાષ સરકારની આ ટિપ્પણીની ટીકા કરી છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે, આ સંપૂર્ણપણે રંગભેદ કરતી ટિપ્પણી છે અને રવિન્દ્રનાથ ટાગોરનો રંગ શ્યામ નહોતો. સુભાષ સરકારે કહ્યું કે- ટાગોરે નોબલ પુરસ્કાર જીત્યો અને દુનિયાભરમાં તેમની પ્રશંસા થઈ પરંતુ તેમના માતા અને પરિવારના સભ્યોએ તેમને ખોળામાં નહોતા લીધા.

(3:58 pm IST)