Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

હરિયાણા સરકારે 'ગોરખધંધા' શબ્દ બોલવા પર પ્રતિબંધ લગાવ્યો

ગોરખનાથ સંત હતા અને કોઈ પણ સત્તાવાર ભાષા, ભાષણ કે કોઈ પણ સંદર્ભમાં આ શબ્દનો પ્રયોગ તેમના અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે

નવી દિલ્હી, તા.૨૦: રાજય હોય કે કેન્દ્ર સરકાર કયારેક એકદમ અલગ પ્રકારના નિર્ણય કે નિયમ લાગુ કરવામાં આવે ત્યારે સામાન્ય નાગરિકોને તેનાથી ભારે આશ્ચર્ય થયું હોય છે. હરિયાણા સરકારે ગઈકાલે 'ગોરખધંધા' શબ્દને લઈને લીધેલા નિર્ણયથી પણ સામાન્ય નાગરિકોને નવાઈ લાગી છે. પરંતુ આ પ્રતિબંધ મૂકવા પાછળનું ખટ્ટર સરકાર દ્વારા કારણ પણ રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જયારે કંઈક કોટું થતું હોય કે પછી કૌભાંડ કે ભ્રષ્ટાચાર થતો હોય તેવામાં હિન્દીમાં 'ગોરખધંધા' શબ્દનો પ્રયોગ થતો હોય છે.

હવે હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકાર દ્વારા 'ગોરખધંધા' શબ્દના પ્રયોગ પર પ્રતિબંધ મૂકયો છે. આ શબ્દનો પ્રયોગ સામાન્ય રીતે અનૈતિક કે ગોટાળો થતો હોય તેવા સમયમાં પ્રયોગમાં લેવામાં આવતો હોય છે. આ બાબતમાં મળતી વિગતો પ્રમાણે ગોરખનાથ સમુદાયના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ આ શબ્દ પર પ્રતિબંધ લગાવવાની સાથે કહ્યું કે, ગોરખનાથ સંત હતા અને કોઈ પણ સત્ત્।ાવાર ભાષા, ભાષણ કે કોઈ પણ સંદર્ભમાં આ શબ્દનો પ્રયોગ તેમના અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, માટે કોઈ પણ સદર્ભમાં આ શબ્દનો ઉપયોગ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ખટ્ટરે ગોરખધંધા શબ્દનો રાજયમાં કોઈ પણ રીતે ઉપયોગ ના કરવાનું જણાવીને આ સંદર્ભમાં સરકાર જલદી નોટિફિકેશન જાહેર કરશે તેમ જણાવ્યું છે. નોંધનીય છે કે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મેનિફેસ્ટોમાં આ શબ્દ પર પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી હતી.

(3:57 pm IST)