Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

મમતા સરકાર CBI તપાસ માટે સંમત નથી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસા મામલે CBI તપાસ માટે હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી

કલકત્તા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસમાં મમતા સરકારને હાઈકોર્ટ તરફથી આંચકો મળ્યો છે. કોલકાતા હાઇકોર્ટે ચૂંટણી પછીની હિંસા કેસમાં સીબીઆઇ તપાસના આદેશ આપ્યા છે. જોકે મમતા સરકાર આ નિર્ણયથી ખુશ નથી. મમતા સરકારે કહ્યું છે કે તે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ભાજપને હવે હાઈકોર્ટના આ નિર્ણય પર હુમલો કરવાની તક મળી છે અને તેણે કહ્યું છે કે આ નિર્ણયથી સરકાર ખુલ્લી પડી ગઈ છે.

મમતા બેનર્જીના નજીકના TMC સાંસદ સૌગતા રોયે કહ્યું કે હું આ નિર્ણયથી નાખુશ છું. જો સીબીઆઈ દરેક કાયદો અને વ્યવસ્થાની બાબતમાં દખલ કરે છે, જે સંપૂર્ણપણે રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે, તો તે રાજ્યની સત્તાનું ઉલ્લંઘન છે. મને ખાતરી છે કે રાજ્ય સરકાર પરિસ્થિતિને સમજશે અને જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય લેશે.

આ સાથે જ કલકત્તા હાઇકોર્ટના નિર્ણય પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે કોર્ટના નિર્ણયને આવકારીએ છીએ. લોકશાહીમાં દરેકને પોતાની વિચારધારા ફેલાવવાનો અધિકાર છે પરંતુ હિંસાને મંજૂરી નથી. લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. તે જ સમયે, ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસા રાજ્ય સરકારના સમર્થન હેઠળ થઈ હતી. કોલકાતા હાઇકોર્ટના આદેશથી સરકારનો પર્દાફાશ થયો છે. અમે કોર્ટના આદેશનું સ્વાગત કરીએ છીએ તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:02 pm IST)