Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

બંગાળમાં ચુંટણી બાદ થયેલી હિંસાની તપાસ કરશે CBI

મમતા સરકારને કલકત્તા હાઇકોર્ટનો ઝટકો : SITનું ગઠન કરાશે

કલકત્તા તા. ૧૯ : પ.બંગાળમાં ચુંટણી બાદ થયેલી હિંસાની તપાસ માટે હાઇકોર્ટે સીબીઆઇની તપાસનો આદેશ આપ્યો છે. મમતા સરકારને ઝટકો આપીને કહ્યું કે, હાઇકોર્ટે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કલકત્તા હાઇકોર્ટે હિંસાની ઘટનાઓની તપાસ માટે એસઆઇટીનું ગઠન કરવાનો આદેશ આપ્યો છે. તેમાં પ.બંગાળ કાડરના સીનિયર અધિકારીઓને પણ સામેલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બંગાળની તૃણમૂલ સરકાર દ્વારા હિંસાની ઘટનાઓની સીબીઆઇ તપાસનો વિરોધ કર્યો હતો. એવામાં હાઇકોર્ટનો આ નિર્ણય તેના માટે એક ઝટકા સમાન છે.

હાઇકોર્ટે બંગાળમાં ચૂંટણી બાદ હિંસા દરમિયાન હત્યા, બળાત્કારના કેસની સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો છે. આ અન્ય ગુનાની તપાસ માટે એસઆઇટી ગઠિત કરવામાં આવી છે. સીબીઆઇ અને એસઆઇટીની તપાસ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થશે. કોર્ટે સીબીઆઇને ૬ સપ્તાહની અંદર તેમનો તપાસ રીપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.

હાઇકોર્ટના આદેશ પર બીજેપીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરીએ છીએ. મમતા સરકારે નીશાન સાધીને તેઓએ કહ્યું, પ.બંગાળમાં ચુંટણી બાદ રાજ્ય સરકારના સંરક્ષણમાં હિંસા થઇ હતી. હાઇકોર્ટના આદેશને સરકારને એકસપોઝ કરી છે.

કોર્ટે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસાની નિષ્પક્ષ તપાસની માંગ કરતી અનેક પીઆઈએલ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.

ખંડપીઠે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) ના અધ્યક્ષને ચૂંટણી બાદની હિંસા દરમિયાન માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોની તપાસ માટે તપાસ સમિતિની રચના કરવા આદેશ આપ્યો હતો. પેનલે તેના રિપોર્ટમાં મમતા બેનર્જી સરકારને જવાબદાર ઠેરવી હતી અને ભલામણ કરી હતી કે બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ગુનાઓની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. તેમણે કહ્યું હતું કે કેસોની સુનાવણી રાજયની બહાર થવી જોઈએ.

(3:04 pm IST)