Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

૧૧,૦૪૦ કરોડના નેશનલ એડિબલ ઓઇલ મિશનને મંજૂરી

દેશના સામાન્ય માણસને હવે મોટી રાહત મળવાની છે : ઘટશે ખાદ્યતેલના ભાવ : પામ તેલ એક પ્રકારનું ખાદ્યતેલ છે જે ખજૂરના ઝાડના બીજમાંથી કાઢવામાં આવે છે, તેનો ઉપયોગ હોટેલ અને રેસ્ટોરામાં ખાદ્યતેલ તરીકે થાય છે

નવી દિલ્હી તા. ૧૯ : ખાદ્ય તેલોમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે, કેન્દ્રીય કેબિનેટે એક નવી યોજનાની જાહેરાત કરી છે- નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ- ઓઇલ પામ (NMEO-OP). આ મિશન ભારતની નિર્ભરતા ઘટાડશે. સરકારનું આ મિશન પામતેલની આયાત પર નિર્ભરતા ઘટાડશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે. સાથે જ તેલ ઉદ્યોગને પણ ફાયદો થશે. તમને જણાવી દઈએ કે સરકારે પામ ઓઈલ સંબંધિત ઉદ્યોગો સ્થાપવા માટે ૫ કરોડ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ અને સીસીઈએની મુખ્ય બેઠકમાં પામ ઓયલ મિશનને મંજૂરી આપી દેવામાં આવી હતી. તેના પર ૧૧ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે હજુ પણ પામની ખેતી થઈ રહી છે. પરંતુ હવે તેને મોટા સ્તર પર કરવાની તૈયારી છે. તેમણે જણાવ્યું કે ખાદ્ય તેલની કિંમતોમાં સતત વધારો નાના ખેડૂતો માટે વધુ ફાયદાકારક ન હતો. ત્યાં જ નોર્થ ઈસ્ટમાં પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી નથી. માટે હવે સરકારે નેશનલ એડિબલ ઓઈલ મિશન શરૂ કર્યું છે.

ભારતની આબાદીમાં દર વર્ષે લગભગ ૨.૫ કરોડ લોકો વધતા જઈ રહ્યા છે. આ હિસાબથી ખાદ્ય તેલની ખપતમાં વાર્ષિક ૩થી ૩.૫ ટકાનો વધારો થવાનું અનુમાન છે.  હાલના સમયમાં એક વર્ષમાં ભારત સરકારે ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ૧.૫ કરોડ ટન ખાદ્ય તેલની ખરીદી કરી છે. દેશમાં વાર્ષિક લગભગ ૨.૫ કરોડ ટન ખાદ્ય તેલની જરૂર પડે છે.

તિલહનના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકારે મોટો નિર્ણય ખાદ્ય તેલ પર નેશનલ મિશનને લાગુ કરવાની મંજૂરી આપી છે. ખાદ્ય તેલની જરૂરીયાતને પૂરી કરવા અને ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે રાજયો સાથે મળીને કામ કરી રહી છે અને તેના પરિણામ પણ સામે આવી રહ્યા છે.

(11:45 am IST)