Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

અફઘાનિસ્તાનની અસરને પગલે

ડ્રાયફ્રૂટસ મોંઘાદાટ : વેપારીઓના કરોડોના ઓર્ડર અટવાયા

અંજીરના એક કિલોનો ભાવ જે પહેલા ૧,૦૦૦ રૂપિયા હતા તે વધીને ૧,૫૦૦ થયા છે : પિસ્તાના ભાવ પહેલા ૧,૧૮૦ રૂપિયા હતા જે વધીને ૧,૩૨૦ થયા છે : જરદારૂના એક કિલોના ભાવ પહેલા ૩૦૦ રૂપિયા હતા જે હાલ વધીને ૬૦૦ રૂપિયા થયા છે : એવી જ રીતે બદામના ભાવ પહેલા ૧,૦૦૦ રૂપિયા હતા જે વધીને ૧,૨૪૦ થયા છે

મુંબઇ તા. ૧૯ : અફઘાનિસ્તાનની પરિસ્થિતિની અસર ભારત દેશના માર્કેટ પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે અફઘાનિસ્તાનમાંથી દેશમાં ડ્રાયફ્રૂટની આયાત થાય છે. બદામ, કાજુ, દ્રાક્ષ, અંજીર, પિસ્તા, સહિતના ડ્રાયફ્રૂટ્સ અફઘાનિસ્તાનમાંથી આવે છે. પરંતુ ત્યાંની વિકટ પરિસ્થિતિને કારણ માલની સપ્લાઈ થઈ નથી. જેના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં ૫થી લઈ ૧૨ ટકાનો વધારો થયો છે. અંજીર, જલદારૂ તેમજ હિંગ અફઘાનિસ્તાનમાંથી આવે છે. આ માટે બીજો કોઈ વિકલ્પ નથી. એક સિઝનમાં અંજીર અને જલદારૂનો આશરે ૧૫૦થી ૨૦૦ કરોડ રૂપિયાનો ઓર્ડર આપવામાં આવતો હોય છે. જયારે આ વખતે હિંગનો ૫૦૦થી ૭૦૦ કરોડનો ઓર્ડર પેન્ડિંગ પડ્યો

 ડ્રાયફ્રૂટના ભાવમાં થયેલા વધારે અંગે જોઈએ તો અંજીરના એક કિલોનો ભાવ જે પહેલા ૧,૦૦૦ રૂપિયા હતા તે વધીને ૧,૫૦૦ થયા છે. પિસ્તાના ભાવ પહેલા ૧,૧૮૦ રૂપિયા હતા જે વધીને ૧,૩૨૦ થયા છે. જરદારૂના એક કિલોના ભાવ પહેલા ૩૦૦ રૂપિયા હતા જે હાલ વધીને ૬૦૦ રૂપિયા થયા છે. એવી જ રીતે બદામના ભાવ પહેલા ૧,૦૦૦  રૂપિયા હતા જે વધીને ૧,૨૪૦ થયા છે. કાજુના ભાવ પહેલા ૧,૩૮૦ હતા જે હાલ વધીને ૧,૪૪૦ રૂપિયા થયા છે. આ ભાવ વધારે છેલ્લા ૧૫ દિવસ દરમિયાન થયો હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે વેપારી બિપિનભાઈ મોદીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની પરિસ્થિતિના કારણે ડ્રાયફ્રૂટના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ ઘરાકી નથી. દિવાળી નજીક આવતા ઘરાકી નીકળશે તેવી આશા છે. બીજી તરફ અફઘાનિસ્તાનની પરિસ્થિતિને કારણે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન અટકી ગયું છે. વેપારીઓ પણ ચિંતામાં છે કે કયારે પરિસ્થિતિ સામાન્ય થશે અને માલની સપ્લાઈ થશે

ઓલ ઇન્ડિયા સ્પાઈસી ઈમ્પોર્ટ ફેડરેશનના સેકેટરી હિરેનભાઈ ગાંધીએ ત્યાંના વેપારીઓ સાથે વાત કરી અને પરિસ્થિતિ માહિતી મેળવી છે. પરિસ્થિતિ સામાન્ય થઈ જશે તેવી અફઘાનિસ્તાનના વેપારીઓએ દાવો કર્યો છે. પરંતુ હાલ તો માલની સપ્લાઈ બંધ છે. જેના કારણે ડ્રાયફ્રૂટના અને હિંગના ભાવમાં વધારો થશે

ઓલ ઇન્ડિયા સ્પાઈસી ઈમ્પોર્ટ ફેડરેશન સેકેટરી હિરેનભાઈ જણાવ્યું છે કે, તેઓ દિવાળીના એકથી બે મહિના પહેલા ઓડર બુક કરાવે છે. જેના કારણે દિવાળી તહેવાર પહેલા ડ્રાયફ્રૂટ આવી જાય. પરંતુ અત્યારે પહેલા આપેલા ઓડર પેન્ડિંગ છે. ઓડર કરેલો માલ આવ્યો નથી, એટલે નવા ઓડર તો હાલ બુક જ નથી કરાવ્યા. બીજી તરફ ભારતમાંથી દવા, ખાંડ, તમાકુ, કેમિકલ, મશીનોની નિકાસ અફઘાનિસ્તાનમાં થાય છે. જે પણ અટકી ગયું છે. જેના પગલે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેકશન હાલ અટકયું છે.

(11:44 am IST)