Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

તાલીબાનો બેફામઃ નિર્દોષ લોકો ઉપર ગોળીબારઃ અનેકના મોત

અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર તાલીબાનોએ અફઘાની લોકોનું લોહી વહાવ્યું: દેશનો ઝંડો ફરકાવનાર લોકો ઉપર ફાયરીંગઃ ભારે ભાગદોડ : કાબુલ એરપોર્ટ ઉપર હજુ અફડાતફડીઃ રવિવારથી અત્યાર સુધીમાં વિવિધ ઘટનાઓમાં ૧૨ લોકોના મોત

નવી દિલ્હી, તા. ૧૯ :. અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ જ્યારથી સત્તા સંભાળી ત્યારથી એકધારૂ લોહી રેડાય રહ્યુ છે. આજે અસાદાબાદ ખાતે યોજાયેલી એક રેલી ઉપર તાલીબાનોએ અંધાધુંધ ગોળીબાર કરતા અનેક લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યુ છે એટલુ જ નહિ અનેક લોકો ઘાયલ થયા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે યોજાયેલી સ્વતંત્રતા દિવસ રેલી પ્રસંગે લોકો દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવતા તાલીબાનો રોષે ભરાયા હતા અને લોકો ઉપર ગોળીબાર કર્યો હતો. જેના કારણે ભારે ભાગદોડ પણ મચી હતી.

હજુ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે લોકોના મોત ફાયરીંગમા થયા કે ભાગદોડમાં થયા. આ ઘટના નજરે નિહાળનાર મોહમદ સલીમ નામની વ્યકિતએ આવુ જણાવ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે અત્યાર સુધીમાં કાબુલ એરપોર્ટ નજીક થયેલી ઘટનાઓમાં ૧૨ લોકોના મોત થયા છે. એવુ પણ જાણવા મળે છે કે કાબુલ એરપોર્ટ થકી વિદેશ જવા માગતા અફઘાનીઓને તાલીબાનના લોકો રોકી રહ્યા છે. ગઈકાલે લોકો ઉપર તાલીબાનો પર ફાયરીંગ પણ કર્યુ હતુ જેના કારણે હિંસક અથડામણો પણ થઈ હતી.

આ સાથે જ ફરીથી એક વખત સ્પષ્ટ થઈ ગયુ છે કે તાલીબાન ભલે પોતાની છબી સુધારવા ગમે તેટલા પ્રયાસ કરે હજુ પણ તે ખૂન-ખરાબા સાથે લગાવ છે.  હાલ તાલીબાન તરફથી કોઈ નિવેદન જારી થયુ નથી પરંતુ દર વર્ષે ૧૯ ઓગષ્ટે અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે.(

(3:05 pm IST)