Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

હર્ષદ મહેતાનો સાથીદાર નિરંજન શાહ ડ્રગ્સ વેંચતા પકડાયોઃ ૨૫મી સુધી રિમાન્ડમાં

નિરંજન શાહ ઉપર શેર બજારના કૌભાંડમાં સંડોવણીનો પણ આરોપ છે

નવી દિલ્હી, તા.૧૯: હર્ષદ મહેતાનો એક નજીકનો સહયોગી હવે ડ્રગ્સના કેસમાં દિલ્હીમાં ગિરફતાર થયો છે. મુંબઇ એટીએસે નિરંજન શાહને નવી દિલ્હીના મુનિરકા ગામમાંથી ડ્રગ્સના એક કેસમાં ગિરફતાર કર્યો છે. નિરંજન શાહને આ પહેલા પણ નશીલી દવાઓ અંગેના અન્ય કેસોમાં પણ ગિરફતાર કરાયો હતો. શાહ પર કરોડો રૂપિયાના શેર કૌભાંડમાં પણ સામેલ હોવાનો આરોપ હતો જેનો માસ્ટર માઇન્ડ હર્ષદ મેહતા હતો.

અધિકારીઓએ કહયું કે તેઓ માર્ચથી શાહને શોધી રહ્યા છે. સોહેલ યુસુફ મેમણ નામના વ્યકિતની ૫.૬૫ કીલો મેફેડ્રોન (એમડી) સાથે ધરપકડ કરાઇ હતી. તેણે નિરંજન શાહને પોતાની સાથી ગણાવ્યો હતો. એટીએસ અધિકારીઓએ કહ્યું કે તેની પાસેથી ઝડપાયેલ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૨.૫૩ કરોડ રૂપિયા હતી.

અધિકારીઓએ જણાવ્યું કે મેમણની પૂછપરછ દરમ્યાન તેણે ખુલાસો કર્યો કે તેણે શાહ પાસેથી આ માદક પદાર્થ ખરીદયો હતો. નાર્કોટીકસ ડ્રગ્સ એકટની વિવિધ કલમો હેઠળ એક કેસ નોંધવામાં આવ્યો અને શાહ આ કેસમાં વોન્ટેડ હતો. અધિકારીએ કહ્યું કે જયારે અમે શાહનો ભૂતકાળ ચકાસ્યો તો ખબર પડી કે તે એક જાણીતો ડ્રગ તસ્કર છે. શાહ એન્ટી નાર્કોટીકસ સેલ મુંબઇ, નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો, નવી દિલ્હી અને ડીઆરઆઇ ઉપરાંત મુંબઇ અને દિલ્હીના વિભીન્ન પોલિસ સ્ટેશનોના રેકોર્ડમાં છે. તેને વિવિધ એજન્સીઓ દ્વારા કેટલીય વાર ગિરફતાર કરવામાં આવ્યો હતો.

(11:42 am IST)