Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

તાલિબાન ભુખે મરશે હવે IMF પૈસા નહિ આપે

પહેલા અમેરિકાએ નાણા પ્રવાહ અટકાવ્યો હવે નાણાભંડોળે તિજોરી બંધ કરી

નવી દિલ્હી તા. ૧૯ : બંદૂક અને હિંસાના જોરે અફઘાનિસ્તાન પર કબ્જો જમાવીને ખુશખુશાલ દેખાતા તાલિબાનને હવે ઝટકા લાગવાના શરૂ થઇ ગયા છે. ભલે ૨૦ વર્ષ પછી અફઘાનિસ્તાનમાં તાલિબાન પાછા સત્તા પર આવ્યા હોય પણ હમણાં તો તે કંગાળ જ રહેવાના છે. અમેરિકા દ્વારા ૭૦૬ અબજ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરાયા પછી આતંકવાદી સંગઠન તાલિબાનને વધુ એક ઝટકો લાગ્યો છે. આઇએમએફ એટલે કે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે અફઘાનિસ્તાનને પોતાના સંસાધનોના ઉપયોગ પર રોક લગાવી દીધી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનો સત્તા પર આવતા જ તેના પર પ્રતિબંધો લાગવાના શરૂ થઇ ગયા છે. આઇએમએફએ કહ્યું કે, તાલિબાનના કબ્જાવાળુ અફઘાનિસ્તાન હવે આઇએમએફના સંસાધનોનો ઉપયોગ નહીં કરી શકે અને ના તો તેને કોઇ પ્રકારની નવી મદદ મળશે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે ૪૬૦ મીલીયન અમેરિકન ડોલર (૩૪૧૬.૪૩ કરોડ રૂપિયા)ની આપાતકાલીન રીઝર્વ પર અફઘાનિસ્તાનની પહોંચને બ્લોક કરવાની જાહેરાત કરી છે. કેમકે દેશ પર તાલિબાનની સત્તાએ અફઘાનિસ્તાનના ભવિષ્ય માટે અનિશ્ચિતતાઓ ઉભી કરી છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, બાઇડન પ્રશાસનના દબાણ પછી આઇએમએફએ આ નિર્ણય લીધો છે. આઇએમએફના ભંડાર સુધી તાલિબાનની પહોંચને રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા મંગળવારે અમેરિકાએ અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેંકના લગભગ ૯.૫ અબજ ડોલર એટલે કે ૭૦૬ અબજ રૂપિયાથી વધારેની સંપત્તિ ફ્રીઝ કરી દીધી હતી. એટલું જ નહીં દેશના પૈસા તાલિબાનોના હાથમાં ના જતા રહે એટલા માટે અમેરિકાએ હાલ અફઘાનિસ્તાનને રોકડનો સપ્લાય પણ રોકી દીધો છે.

(10:59 am IST)