Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

પુરૂષોમાં વાયગ્રાની સાઈડ ઈફેકટ્સ : અમુક થયા બહેરા તો અમુકે ગુમાવી યાદશકિત

બ્રિટનમાં ઘણા લોકોએ દાવો કર્યો છે કે બેડ પર પર્ફોમન્સ સુધારનારી દવા વાયગ્રાના કારણે તેમને અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે

લંડન,તા. ૧૯: બ્રિટનમાં ઘણા લોકોએ દાવો કર્યો છે કે બેડ પર પર્ફોમન્સ સુધારનારી દવા વાયગ્રાના કારણે તેમને અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે અમુક લોકોનો દાવો છે કે તેઓ આ દવાના ઉપયોગથી સાંભળવાની ક્ષમતા ગુમાવી ચૂકયા છે. છેલ્લા ૫ વર્ષમાં આ દવાના ૫૪૩ નાના-મોટા સાઇડ ઇફેકટ્સ સામે આવ્યા છે.

વાયગ્રા કનેકટ નપુસંકતા ધરાવતા પુરૂષો માટે જ છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવતી કોઇ વ્યકિત વાયગ્રા ખરીદી શકે નહીં. જોકે સ્ત્રીઓ પોતાના પુરૂષમિત્ર માટે ખરીદી શકે છે, પરંતુ તે માટે ફાર્માસિસ્ટને યોગ્ય કારણો આપવા જરૂરી છે. જે વ્યકિત તબીબી રીતે જાતિય સંબંધો બાંધવા ફીટ ન હોય તેવા પુરૂષને આપવામાં આવતી નથી. તેમાં હ્યદય અને લોહીની નસોની ગંભીર સ્થિતિ ધરાવતા પુરૂષો પણ સામેલ છે.

ધ સન વેબસાઇટની એક રિપોર્ટ અનુસાર, બ્રિટેનમાં ઓછામાં ઓછા ૯ લોકોએ દાવો કર્યો કે તેઓ આ દવાના ઉપયોગના કારણે પોતાની સાંભળવાની શકિત દ્યણા અંશે ગુમાવી ચૂકયા છે. આ સિવાય અમુક લોકોએ ઉલટી અને કમરના દુખાવાની ફરીયાદ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે પ્લેબોય મેગેઝીનના માલિક હ્યુઝ હેફનરે પણ દાવો કર્યો હતો કે વાયગ્રાના વધુ પડતા ઉપયોગના કારણે તેમની સાંભળવાની ક્ષમતાને ખૂબ નુકસાન પહોંચ્યું છે અને તેના કારણે તેઓ બહેરા થઇ ગયા હતા. મહત્વનું છે કે વર્ષ ૨૦૧૭માં ૯૧ વર્ષની ઉંમરે તેમનું નિધન થઇ ગયું હતું.

દસમાંથી એક કરતા વધુ વ્યકિતને માથાના દુખાવાની સમસ્યા થઇ શકે છે. આ સિવાય ચક્કર આવવા, કુંડાળા દેખાવા કે ઝાંખુ દેખાવું અથવા બ્લૂ રંગની ધૂંધળાશ દેખાવી, ઝાડા થવા, ઉલટીઓ થવી જેવા સામાન્ય લક્ષણો દેખાય છે. આ સિવાય જો છાતીમાં દુખાવો, અચાનક દેખાતું બંધ થવું, શ્વાસ લેવામાં મુશ્કેલી, સસણી થવી, હોઠ, પાંપણ કે મોઢા પર સોજો આવવો કે ફીટ આવવી જેવા લક્ષણો દેખાય તો દવા બંધ કરી તાત્કાલિક ડોકટરને બતાવવું જોઇએ.

આપને જણાવી દઇએ કે વર્ષ ૨૦૧૭માં બ્રિટને ફાર્મસીની દુકાનોમાં વાયગ્રા ડ્રગને ખરીદીને લીગલ જાહેર કરી દીધી હતી.

રિપોર્ટ્સ અનુસાર ગત વર્ષે એક શખ્સનું હ્યદય હુમલાના કારણે મોત થયું હતું. આ શખ્સે વાયગ્રાની સાથે અમુક ડ્રગ્સનો પણ ઉપયોગ કર્યો હતો. ૪૪ વર્ષના કુન થેપે થાઇલેન્ડમાં પોતાના દોસ્તો સાથે ડ્રગ્સ લીધું હતું અને આ દવા લીધી હતી. આ શખ્સ એક કલાક ખૂબ થાક મહેસૂસ કરી રહ્યો હતો અને ત્યાર બાદ તેનું મોત થઇ ગયું હતું. જોકે આ રિપોર્ટ અંગે ફાઇઝર કંપનીએ કોઇ નિવેદન આપ્યું ન હતું.

વર્ષ ૧૯૯૮માં લોન્ચ થયેલ આ ડ્રગ અમેરિકામાં ખૂબ લોકપ્રિય બન્યું હતું. ત્યાર બાદ આ ડ્રગને વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ લોકપ્રિયતા મળી છે. ફાઇઝર કંપનીના એક પ્રવકતાએ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ વાયગ્રાને લોકોમાં લાઇફસ્ટાઇલ ડ્રગ તરીકે કયારેય પ્રમોટ કરતા નથી.

મહત્વનું છે કે હ્યદયની સમસ્યા ધરાવતા લોકોએ વાયગ્રા ન લેવી જોઇએ. તેનાથી હાર્ટ પર દબાણ વધે છે. આ સિવાય વાયગ્રાને નાઇટ્રેટ દવાઓ સાથે પણ ન લેવી જોઇએ, કારણ કે ડોકટર્સ એક સાથે બ્લડ પ્રેશર લો અને હાઇ કરવા દવાઓ ખાવાની મનાઇ કરે છે. આમ કરવાથી વાયગ્રા ખતરનાક સાબિત થઇ શકે છે.

(10:12 am IST)