Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ તાલિબાન રહેશે કંગાળ: અમેરિકાએ અફઘાન કેન્દ્રીય બેંક ની સંપત્તિ ફ્રિજ કરી

એપ્રિલ મહિના સુધી અફઘાનિસ્તાનની કેન્દ્રીય બેંક પાસે 9.4 અબજ ડૉલરની આરક્ષિત સંપત્તિ હતી

નવી દિલ્હી :  અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ તાલિબાન ભલે સરકાર રચવાની તૈયારી કરી રહ્યું હોય પરંતુ દેશ ચલાવવા માટે તેણે ફંડની તંગીનો સામનો કરવો પડશે. આતંકવાદી જૂથ તાલિબાન ખૂબ જ સરળતાથી કાબુલ પર કબજો મેળવવામાં સફળ રહ્યું પરંતુ તેના માટે અફઘાન કેન્દ્રીય બેંકની આશરે 10 અબજ ડૉલરની સંપત્તિ મેળવવી અઘરી થઈ પડશે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ પ્રમાણે બાઈડન પ્રશાસને સોમવારે અમેરિકી બેંકોમાં રાખવામાં આવેલી અફઘાન સરકારની સંપત્તિને ફ્રીઝ કરી દીધી હતી. આ કારણે તાલિબાન અમેરિકી બેંકોમાંથી અફઘાનિસ્તાનના ખજાનાને નહીં મેળવી શકે. એક અફઘાની અધિકારીના કહેવા પ્રમાણે દેશની કેન્દ્રીય બેંક ધ અફઘાનિસ્તાન બેંક (ડીએબી) પાસે વિદેશી મુદ્રા, સોનું અને અન્ય ખજાનો છે પરંતુ તે કુલ કેટલી સંપત્તિ છે તેની સ્પષ્ટ જાણકારી નથી. અન્ય એક અહેવાલ પ્રમાણે મોટા ભાગની સંપત્તિ અફઘાનિસ્તાનની બહાર રાખવામાં આવેલી છે જ્યાં સુધી પહોંચવુ તાલિબાન માટે મુશ્કેલ છે.

 

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને પ્રમુખ અધિકારીઓએ દેશ છોડ્યો ત્યાર બાદ બેંકના ગવર્નર અજમલ અહમદીએ પણ ટ્વીટ કરીને રવિવારે બેંકના પ્રભારથી મુક્ત થયાની અને દેશમાંથી નીકળી ગયાની જાણકારી શેર કરી હતી. આઈએમએફના અહેવાલ પ્રમાણે એપ્રિલ મહિના સુધી અફઘાનિસ્તાનની કેન્દ્રીય બેંક પાસે 9.4 અબજ ડૉલરની આરક્ષિત સંપત્તિ હતી જે દેશના વાર્ષિક રેવન્યુના ત્રીજા ભાગ જેટલી છે. સંપત્તિનો એક મોટો હિસ્સો અફઘાનિસ્તાનમાં નથી.

(12:00 am IST)