Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

તમામ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં અસ્થિરતા, હિંસા, ટકરાવ,કાયદો વ્યવસ્થા વ્યવસ્થાની સ્થિતિ મામલે કોંગ્રેસે અફઘાનિસ્તાન સાથે સરખામણી કરી

રણદીપ સુરજેવાલાએ કહ્યુ અમે અફઘાનિસ્તાનની બગડતી પરિસ્થિતિ જોઈએ છીએ પરંતુ નોર્થ ઈસ્ટનુ સત્ય સરકાર અમારાથી છુપાવે છે.

નવી દિલ્હી :  કોંગ્રેસ તરફથી નોર્થ ઈસ્ટના અલગ-અલગ મુદ્દાને લઈને કેન્દ્ર સરકારને ઘેરવામાં આવી છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ મેઘાલયનો ઉલ્લેખ કરીને તેની વર્તમાન પરિસ્થિતિની તુલના અફઘાનિસ્તાન સાથે કરી છે. રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન અને ગૃહમંત્રી દેશની આંતરિક સુરક્ષાની સાથે છેડછાડ કરી રહી છે. તેમણે કહ્યુ કે અસ્થિરતા, હિંસા, ટકરાવ, કાયદો વ્યવસ્થા તૂટવી એ તમામ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં થઈ રહ્યુ છે, જેને બતાવવામાં આવતુ નથી.

રણદીપ સુરજેવાલાએ અસમ-મિઝોરમ સંઘર્ષ, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ અને મેઘાલયનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે એક પછી એક વિસ્તારને અથડામણ, હિંસા તરફ ખસેડવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ અમે અફઘાનિસ્તાનની બગડતી પરિસ્થિતિ જોઈએ છીએ પરંતુ નોર્થ ઈસ્ટનુ સત્ય સરકાર અમારાથી છુપાવે છે. નોર્થ ઈસ્ટની પરિસ્થિતિ વિશે સરકાર ધ્યાન આપી રહી નથી. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ આ અંગે જવાબ આપવો જોઈએ.

સૌ પહેલા સુરજેવાલાએ અસમ-મિઝોરમ બોર્ડર સંઘર્ષનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે 26 જુલાઈથી હવે 17 ઓગસ્ટ સુધી ફાયરીંગના કારણે બંને રાજ્યો વચ્ચે ટકરાવ વધ્યો છે. સુરજેવાલાએ કહ્યુ, ત્યાં બંને એવા લડી રહ્યા છે જેમ કે દુશ્મન હોય, શુ ગૃહ મંત્રી આની જવાબદારી લેશે ?

આગળ મેઘાલયનો ઉલ્લેખ કરતા સુરજેવાલાએ કહ્યુ, મેઘાલયમાં પણ NDA સરકાર છે. તાલિબાન જેવા આતંકી બંદૂક લઈને રાજધાની શિલોંગમાં ઘૂમી રહ્યા છે. સ્વતંત્રતા દિવસે ત્યાં કર્ફ્યુ લાગ્યો હતો. ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યુ. રાજ્યપાલના કાફલા પર હુમલો થયો. મોદી સરકાર, ગૃહ મંત્રી ક્યાં હતા?

આગળ નાગાલેન્ડની વાત કરતા સુરજેવાલાએ કહ્યુ કે મોદી સરકારે 3 ઓગસ્ટ 2015 એ જે શાંતિ સમાધાન કર્યુ હતુ તે તૂટી ગયુ. NSCN IMએ ભારત સરકારના વાર્તાકારની વાત માનવાથી ઈનકાર કરી દીધો છે. તેમનુ કહેવુ છે કે નાગાલેન્ડ ભારતની સાથે જોડાશે નહીં ? તેમણે ભારતનુ સંવિધાન માનવાથી કેવી રીતે ઈનકાર કર્યો? ભારત સરકાર ક્યાં હતી?

સુરજેવાલાએ અરૂણાચલ પ્રદેશનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ત્યાં ચીન પોતાની દાદાગીરી બતાવી રહ્યુ છે પરંતુ મોદી સરકાર ચૂપ છે. આ રીતે પોતાના ક્ષેત્રની રક્ષા કેવી રીતે થશે? સુરજેવાલાએ કહ્યુ કે નોર્થ ઈસ્ટના 5 રાજ્યોમાં ઉથલ-પાથલની સ્થિતિ છે પરંતુ મોદી સરકાર ક્યાંય નથી.

કોંગ્રેસ તરફથી મોંઘવારી મુદ્દે પણ મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યુ છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યુ કે એલપીજી સિલિન્ડરની કિંમત કાલે ફરી વધારી દેવામાં આવી છે. એક વાર ફરીથી મોંઘવારીનો પ્રહાર કરવામાં આવ્યો છે. ત્યાં અલકા લાંબાએ કહ્યુ કે અલીગઢ હરિગઢ થઈ ગયુ અને સિલિન્ડર 1000 રૂપિયા પાર થઈ ગયુ.

(12:24 am IST)