Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

સપ્ટેમ્બર સુધીમાં 2થી 18 વર્ષના બાળકો માટે કોરોનાની રસી બજારમાં આવી શકે

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના ડાયરેક્ટર પ્રિયા અબ્રાહમે આ અંગે પુષ્ટિ આપી

નવી દિલ્હી: કોરોના વાયરસ સામેના જંગમાં અમોઘ શસ્ત્ર સમાન કોરોના વેક્સિનને લઈને સારા સમાચાર મળ્યા છે. દેશમાં સપ્ટેમ્બર અંત સુધીમાં 2થી 18 વર્ષના બાળકો માટેની કોરોના રસી બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના ડાયરેક્ટર પ્રિયા અબ્રાહમે આ અંગે પુષ્ટિ આપી છે.

બાળકો માટેની કોરોના રસીના ટ્રાયલ્સ હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે. 2થી 18 વર્ષના બાળકોને પણ કોરોનાની રસી આપવાનું ટૂંક સમયમાં સંભવ બનશે. હાલમાં રસીના બીજા અને ત્રીજા તબક્કાના પરિક્ષણ ચાલુ છે.

આ ટ્રાયલ્સના પરિણામ વહેલી તકે ઉપલબ્ધ થશે અને બાદમાં તેને નિયમનકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. સપ્ટેમ્બર અંત અથવા ત્યારબાદના સમયમાં ટ્રાયલ્સના તારણો પ્રાપ્ત થશે તેમ અબ્રાહમે જણાવ્યું છે. કોવેક્સિનના ડોઝનું ટ્રાયલ્સ ચાલી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત ઝાયડસની કોરોના વેક્સિનના ટ્રાયલ્સ પણ હાલમાં ચાલુ છે અને બાળકો પર તેની અસર અંગે અભ્યાસ ચાલી રહ્યો છે. ઝાયડસની રસીને મંજૂરી મળે છે તો બાળકોને તે રસી પણ આપી શકાશે.

એનઆઈવી કેન્દ્રના આરોગ્ય મંત્રાલય હેઠળના ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)નો ભાગ છે. નોંધનીય છે કે ગત મહિને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભાજપના સાંસદનો જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં બાળકોનું પણ કોરોના રસીકરણ શરૂ કરવામાં આવશે. દેશમાં હાલમાં ફક્ત 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને જ રસીના ડોઝ આપવામાં આવે છે. અબ્રાહમે વધુમાં જણાવ્યું કે, ઝાયડસની કોરોના વેક્સિન જે ડીએનએ આધારિત છે તે ઉપરાંત જીનોવા વેક્સિન પણ આ જ પ્રક્રિયાથી તૈયાર થશે. બાયોલોજીકલ ઈ તેમજ નોવોવેક્સ, જેનું ઉત્પાદન સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા કરશે તે પણ મંજૂરી માટે પાઈપલાઈનમાં છે.

(11:54 pm IST)