Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

હેડિંગ્લે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં બે મોટા ફેરફાર :સ્ફોટક બેટ્સમેનની વાપસી

ડોમ સિબ્લી અને જેક ક્રોલી ટીમની બહાર :ડેવિડ મલાન અને ઓલી પોપને સ્થાન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી 25 ઓગસ્ટથી હેડિંગ્લે ટેસ્ટની શરુઆત થશે. બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચોની આ ત્રીજી ટેસ્ટ મેચ રમાનારી છે. આ પહેલા જ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ નું  એલાન થઈ ચુક્યુ છે. ઈંગ્લીશ ટીમમાં બે મોટા ફેરફાર કરી દેવામાં આવ્યા છે. ડોમ સિબ્લી  અને જેક ક્રોલી ટીમની બહાર કરી દેવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને ડેવિડ મલાન  અને ઓલી પોપને સ્થાન આપવામાં આવ્યુ છે.

ડેવિડ મલાન ટી20 ફોર્મેટમાં નંબર વન બેટ્સમેન છે. મલાન લગભગ 3 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. ડાબોડી બેટ્સમેન મલાને વર્ષ 2018માં તેની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. ડેવિડ મલાને આ વર્ષે માત્ર એક જ ફર્સ્ટ કલાસ મેચ રમી છે. જેમાં તેણે 199 રનની ઈનીંગ રમી હતી. ઈંગ્લીશ ટીમ ભારત સામેની સિરીઝમાં ટોપ ઓર્ડરની નિષ્ફળતાને લઈને પરેશાન છે. પ્રથમ બંને ટેસ્ટ મેચ દરમ્યાન ટો થ્રી બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશા ભર્યુ હતુ. જેનાથી મીડલ ઓર્ડર અને કેપ્ટન જો રુટ પર દબાણ વધી ગયુ હતુ.

ઈંગ્લેન્ડના ઝડપી બોલર શાકિબ મહમૂદને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે હજી સુધી ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી. પરંતુ તાજેતરના સમયમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તે આ વર્ષની શરૂઆતમાં ટીમ સાથે શ્રીલંકા અને ભારતના પ્રવાસે ગયો હતો. એવું માનવામાં આવે છે કે સાકિબ હેડિંગ્લે ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. ડાબોડી સ્પિનર જેક લીચને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. પરંતુ તે મોઈન અલી માટે સ્ટેન્ડબાય તરીકે રહેશે. ફાસ્ટ બોલર માર્ક વુડને ખભામાં ઈજા છે, પરંતુ તેને ટીમ સાથે રાખવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડની ટીમને આશા છે કે ત્રીજી ટેસ્ટ સુધીમાં તેઓ ફિટ થઈ જશે

(11:19 pm IST)