Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

મુસ્લિમોને મોહરમ પર સરઘસ કાઢવા અને ધાર્મિક વિધિઓ કરવાની શરતી મંજૂરી: બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

સરઘસમાં ફક્ત 7 ટ્રકોને જ મંજૂરી:દરેક ટ્રકમાં 15થી વધારે લોકો ન હોવા જોઈએ:જે લોકોએ કોરોના વાઈરસ વિરોધી રસીના બંને ડોઝ લીધા છે અને બીજા ડોઝના 14 દિવસ પસાર થયા છે, તેમને જ ટ્રકમાં બેસવાની મંજૂરી

મુંબઈ : મહારાષ્ટ્રમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને સરકાર પણ મોટા મેળાવડા માટે પરવાનગી નથી આપી રહી. ત્યારે લઘુમતી સમુદાય દ્વારા મહોરમ નિમિતે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં તાજીયા કાઢવાની મંજૂરી માંગવામાં આવી હતી. આ સમય દરમિયાન મંગળવારે બોમ્બે હાઈકોર્ટે શિયા મુસ્લિમ સમુદાયને કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને અમુક શરતો સાથે મોહરમ સરઘસ કાઢવાની મંજૂરી આપી હતી. જસ્ટિસ કે.કે. તાતેડ અને જસ્ટિસ પી.કે. ચવ્હાણની બેન્ચે કહ્યું કે 20 ઓગસ્ટના રોજ ત્રણ કલાક માટે સરઘસ કાઢવાની મંજૂરી આપી હતી.

પરંતુ આ સરઘસ દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. સરઘસમાં ફક્ત 7 ટ્રકોને જ મંજૂરી આપવામાં આવશે. તેમજ દરેક ટ્રકમાં 15થી વધારે લોકો ન હોવા જોઈએ. ખંડપીઠે કહ્યું કે જે લોકોએ કોરોના વાઈરસ વિરોધી રસીના બંને ડોઝ લીધા છે અને બીજા ડોઝના 14 દિવસ પસાર થયા છે, તેમને જ ટ્રકમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. બેન્ચે કહ્યું "પાંચ તાજીયા કાઢવાની પરવાનગી આપવામાં આવશે. 105 વ્યક્તિઓમાંથી માત્ર 25ને જ કરબલાની અંદર પ્રવેશ આપવામાં આવશે.

ખંડપીઠે આ આદેશ ઓલ ઈન્ડિયા ઈદરા તહફુઝ-એ-હુસૈનિયત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો છે. અરજીમાં મહોરમ દરમિયાન સરઘસ કાઢવા અને ધાર્મિક વિધિઓ કરવા માટેની પરવાનગી માંગવામાં આવી હતી. આ સાથે જ અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાજેન્દ્ર શિરોડકરે હાઈકોર્ટને માહિતી આપી હતી કે તાજીયા કાઢવા તેમજ ખોરાક અને પાણી માટે સ્ટોલ ઉભા કરવા એ શિયા સમુદાય માટે ધર્મની વિધિઓનો ભાગ છે. આ ધાર્મિક વિધિ વિના અનુષ્ઠાન પૂર્ણ થશે નહીં.

સરકારી વકીલ પૂર્ણિમા કંથારિયાએ આ અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે ધાર્મિક સરઘસમાં ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ બની જાય છે.

(12:00 am IST)