Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જમ્મુ-કાશ્મીર હાઇએલર્ટ ઉપરઃ અનેક આતંકી ઘુસી ગયાઃ પઠાણકોટ-જમ્મુ હાઇવે-રેલ્વે પાટા નિશાન ઉપર

૩૦૦ હજ્જ યાત્રાળુઓ આવી પહોંચ્યાઃ શ્રીનગર એરપોર્ટ ઉપર પરિવાર દીઠ ૧ કુટુંબીને જવાની છૂટ અપાઇઃ ઘેર પહોંચાડવા બધી સુવિધા આપી

જમ્મુ તા. ૧૯ :.. શ્રીનગરમાં પ્રતિબંધો હળવા થતાવેંત સર્જાયેલ હિંસક ઘટનાઓના પગલે ફરી પ્રતિબંધો લદાયા છે ત્યારે સાઉદી અરેબીયાથી ૩૦૦ મુસ્લિમ હજ્જ યાત્રાળુઓનો પ્રથમ બેચ કાશ્મીર પરત ફરેલ છે. રવિવારે પણ કાશ્મીર ખીણમાં પ્રતિબંધો ચાલુ રહેલ છે. હાજીઓના સ્વાગત માટે તેમના પરિવારના એક સદસ્યને  શ્રીનગર એરપોર્ટ ઉપર જવાની મંજૂરી અપાયેલ, સાથોસાથ હાજીઓ અને તેમના કુટુંબીજનોની આવન-જાવન માટે તમામ જિલ્લા કલેકટર તંત્રો વચ્ચે સમન્વય સાથે રાજય એસટી નિગમે બસો તૈનાત કરી દીધેલ.

સુરક્ષા દળોને પણ હજ્જ યાત્રિકો અને તેમના કુટુંબીજનનો જયાં પ્રતિબંધો લદાયેલ છે તે વિસ્તારોમાંથી પસાર થવા દેવા મંજૂરી આપવાના હૂકમો પણ કરાયા છે.

દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને સતત હાઇએલર્ટ રખાયા છે. એવું બહાર આવ્યું છે કે કેટલાક આતંકીઓ સીમા ઓળંગી ઘુસવામાં સફળ થયા છે, જે સુસાઇડ બોંબ એટેક-ફિદાયીન હૂમલાને અંજામ આપી શકે છે. અધિકારીઓ માને છે કે તેમના નિશાન ઉપર જમ્મુ-પઠાણકોટ હાઇવે ઉપરના લશ્કરી મથકો સાથોસાથ ઇન્ટરનેશનલ સરહદ ઉપરની રેલ્વે લાઇન પણ છે.

(11:38 am IST)