Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ભુપેન્દ્રસિંહ હુડ્ડાનો ધડાકોઃ - પહેલા જેવી નથી રહી કોંગ્રેસઃ ૩૭૦ પર ભાજપને ટેકો

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ પોતાની પાર્ટી સામે ખુલીને બળવો કર્યો

હિસાર, તા.૧૯: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ પોતાની પાર્ટી સામે ખુલીને બળવો કર્યો છે. રોહતકની એક રેલીમાં હુડ્ડાએ સ્પષ્ટ કહ્યું હતું કે તે ભૂતકાળથી મુકત થવા આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીએ પોતાની પાર્ટી વિશે કહ્યું હતું કે આ કોંગ્રેસ પહેલા જેવી કોંગ્રેસ રહી નથી.

હરિયાણામાં કોંગ્રેસમાંથી અલગ થવાના સ્પષ્ટ સંકેત આપતા હુડ્ડાએ કહ્યું હતું કે આજે હું પોતાને ભૂતકાળમાંથી મુકત કરું છું. મને નેતાઓ અને રેલીમાં હાજર લોકો દ્વારા કોઈ પણ નિર્ણય લેવાનો જે અધિકાર આપ્યો છે તે માટે હું એક કમિટીનું ગઠન કરીશ. કમિટીની સલાહ પર આ વિશે કોઈ પણ નિર્ણય કરીશ.

હુડ્ડાએ આગળ કહ્યું હતું કે આજે હરિયાણા બરબાદી તરફ છે, ખેડૂત વિનાશ તરફ છે અને બેરોજગારી વધી રહી છે. હુડ્ડા સિવાય આ મહાપરિવર્તન રેલીમાં બીજા નેતાઓના પણ તીખા તેવર જોવા મળ્યા હતા. પલવલથી કોંગ્રેસ ધારાસભ્ય કરણ સિંહ દલાલે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ જો હરિયાણામાં પાર્ટીની કમાન હુડ્ડાને નહીં આપે તો અલગ રસ્તો અપનાવાશે. પૂર્વ સ્પીકર રદ્યુબીર કાદિયાને એક લાઇન પ્રસ્તાવ રાખ્યો કે હુડ્ડા જે પણ નિર્ણય કરશે તેની સાથે અમે ઉભા છીએ. જનસભામાં હાજર લોકોને આ વાતનું સમર્થન કરવા માટે હાથ ઉપર કરવાની અપીલ કરી હતી.

હુડ્ડાએ કહ્યું હતું કે હું ૭૨ વર્ષનો થઈ ગયો છું અને નિવૃત્ત થવા માંગું છું પણ હરિયાણાની હાલત જોઈને સંદ્યર્ષનો નિર્ણય કર્યો છે. દેશહિત ઉપર કશું જ નથી. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાનો અમારા (કોંગ્રેસ) નેતાઓએ વિરોધ કર્યો હતો, આ યોગ્ય ન હતું. મેં દેશહિતના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું હતું કે મારા પરિવારની ચાર પેઢી કોંગ્રેસ સાથે જોડાયેલી રહી છે. અમે કોંગ્રેસ માટે દ્યણી મહેનત કરી હતી પણ હવે કોંગ્રેસ પહેલા જેવી રહી નથી. હવે તે બદલાઇ ગઈ છે.

(10:27 am IST)