Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સંઘે ફરી અનામત પર ચર્ચાની માંગણી કરી વિવાદને છંછેડયો

અનામત નીતિની અગાઉ સમીક્ષા કરવાની માંગણી કરનાર મોહન ભાગવતે સાનુકુળ વાતાવરણમાં ચર્ચાની તરફેણ કરી

નવી દિલ્હી, ૧૯ :. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ફરી એક વખત અનામત પર ચર્ચા કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યુ છે કે જેઓ અનામતના પક્ષમાં છે અને જેઓ તેની વિરૂદ્ધમાં તેઓએ યોગ્ય વાતાવરણમાં ચર્ચા વિચારણા કરવી જોઈએ.

સંઘના પ્રમુખે જણાવ્યુ છે મેં અનામત પર પહેલા પણ વાત કરી હતી પરંતુ ત્યારે આ બાબતે ઘણો વિવાદ ઉભો થયો હતો અને સમગ્ર ચર્ચા અસલ મુદ્દાથી અલગ થઈ ગઈ હતી. ભાગવતે કહ્યુ હતુ કે જેઓ અનામતના પક્ષમાં છે તેઓએ તેનો વિરોધ કરનારાઓના હિતોને ધ્યાનમાં રાખતા બોલવુ જોઈએ. તો જેઓ વિરૂદ્ધમાં છે તેઓએ પણ પોતાની વાત જણાવવી જોઈએ.

જ્ઞાન ઉત્સવના સમાપન સત્રમાં તેમણે કહ્યુ હતુ કે અનામત પર ચર્ચાનુ પરિણામ દરેક વખતે તિવ્ર બન્યુ અને પ્રક્રિયાના સ્વરૂપમાં જોવાયુ હતુ કે આ મામલે સમાજના વિવિધ વર્ગોમાં એકતા જાળવી રાખવાની જરૂર છે. અગાઉ તેમણે અનામત નીતિની સમીક્ષા કરવાની તરફેણ કરી હતી જેનો ભારે વિરોધ થયો છે.

તેમણે જણાવ્યુ હતુ કે સંઘ, ભાજપ અને પક્ષના નેતૃત્વવાળી સરકાર ત્રણેયનું અલગ અસ્તિત્વ છે અને કોઈ એકના કામ માટે બીજાને જવાબદાર ઠેરવી ન શકાય. મોદી સરકાર પર સંઘના પ્રભાવ અંગે તેમને કહ્યુ હતુ કે ભાજપ અને સરકારમાં સંઘના કાર્યકરો છે. તેઓ સંઘની વાત સાંભળે છે પરંતુ તેઓ અમારી સાથે સહમત છે તે જરૂરી નથી.

(10:26 am IST)