Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ઇરફાને કેન્સરની બીમારી અંગે કહ્યું, 'કયારેક દુઃખાવો ખુદાથી પણ મોટો થઇ જાય છે'

જીવનમાં અનિશ્ચિતતા જ નિશ્ચિત છે મને પહેલી વખત અસલ રીતે અહેસાસ થયો કે આઝાદીનો અર્થ શું છે?

મુંબઇ, તા.૧૯: એકટર ઇરફાન ખાને ૧૬ માર્ચનાં રોજ ટ્વિટર પર તેની રેર બીમારી neuroendocrine cancer વિશે જાણકારી આપી. જે બાદ બોલિવૂડ અને તેમનાં ચાહકોમાં હડકંપ મચી ગયો. ઇરફાન તેમની બીમારીનાં ઇલાજ માટે લંડનમાં છે. લંડનમાં શું સારવાર થઇ રહી છે તે અંગે તેમણે કયારેય કોઇ માહિતી નથી શેર કરી. હવે તેમણે ટ્વિટર પર તેમની બીમારી અને હોસ્પિટલ અંગે વાત કરી. આ પહેલાં તેમણે તેમની લેટેસ્ટ ફિલ્મ 'કારવાં'નું પોસ્ટર શેર કર્યુ હતું.

ઇરફાને તેમનાં ટ્વિટર હેન્ડ પર એક નોટ લખી છે. જેમાં તેમણે કહ્યું છે કે, 'જયારે મને બીમારીનું નામ ખબર પડી neuroendocrine cancer, આ મારી ડિકશનરીમાં નવો શબ્દ હતો. આ બીમારીનાં રેર હોવાને કારણે હું તેનાં પર સ્ટડી કરી રહ્યો હતો. હું હાલમાં ટ્રાયલ અને એરર ગેમનો ભાગ બની ગયો છું. હું ઝડપથી જીવનમાં મારા સપનાંની સાથે તેજ રફ્તાર ટ્રેનથી સફર કરી રહ્યો હતો. ત્યારે જ મને કોઇએ પાછળથી રોકયો અને કહ્યું કે આપનું સ્ટેશન આવવાનું છે.'

ઇરફાનનાં કહેવા મુજબ, 'બીમારી અંગે જયારે ખબર પડી ત્યારે હું હચમચી ગયો હતો. હું તમામ ચીજો પર મારો કંટ્રોલ ઇચ્છતો હતો. હું બસ આશા કરી રહ્યો હતો કે મને કોઇ ગંભીર સમસ્યાથી પસાર ન થવું પડે. હું બસ મારા પગ પર ઉભો થવા માંગુ છું. ડર અને દર્દ મારા પર હાવી ન થઇ શકે. પણ આ તમામ સકારાત્મક વાતોની વચ્ચે જયારે દુખાવો વધી જાય છે ત્યારે કોઇ જ મોટિવેશન કામ નથી આવતું. કોઇપણ પ્રકારની સહાનુભૂતિ બેકાર થઇ જાય છે બસ હોય છે તો માત્ર દર્દ, તે દર્દ એટલો ઘાતક હોય છે કે પળવાર માટે તે આપને ખુદાથી પણ મોટો લાગે છે.'

ઇરફાન લખે છે, 'જયારે પહેલી વખત દુખાવા સાથે હોસ્પિટલ (લંડન) ગયો, મને લાંબા સમય સુધી આ વાતનો અહેસાસ ન હતો કે મારા બાળપણનું સપનું લોર્ડ્સ સ્ટેડિયમ મારી હોસ્પિલની પાસે જ છે. જયારે હું હોસ્પિટલની બાલકનીમાં ઉભો રહેતો તો એક તરફ સ્ટેડિયમમાં લાગેલી ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની હસતી તસવીર જોતો. એક તરફ મારી હોસ્પિટલ હતી, તો બીજી તરફ સ્ટેડિયમ. આ વચ્ચે એક રસ્તો હતો જે મને જીવન અને મોતની વચ્ચેનો રસ્તો લાગતો હતો.'

ઇરફાન લખે છે, 'હોસ્પિટલમાં મારા રૂમની પાસે કોમા વોર્ડ બનેલો છે. પણ આ તમામ વસ્તુઓ મને એક જ અહેસાસ કરાવે છે કે જીવનમાં અનિશ્ચિતતા જ નિશ્ચિત છે મને પહેલી વખત અસલ રીતે અહેસાસ થયો કે આઝાદીનો અર્થ શું છે? મારી બીમારી અંગે જાણ્યા બાદ દ્યણાં લોકો મારા માટે દુઆ કરે છે દ્યણાં લોકો જે મને ઓળખતા પણ નથી તમામની દુઆઓ એક ફોર્સ બનીને મારા સ્પાઇનલ કોડ દ્વારા અંદર આવીને માથા સુધી જાય છે. હું જીવનને ખુબજ નજીકથી મહેસુસ કરી રહ્યો છું.'

આ નોટ ટ્વિટ કરતાં તેણે અંતે લખ્યુ છે કે, 'જીવનમાં અચાનક કંઇક એવું થઇ જાય છે જે આપને આગળ લઇને જાય છે. મારી જીંદગી છેલ્લા કેટલાંક દિવસોમાં આવી જ રહી છે મને ન્યૂરો ઇન્ડોક્રોઇન ટ્યૂમર નામની બીમારી થઇ છે. પણ મારી આસપાસ હાજર લોકોનાં પ્રેમ અને તાકાતે મારામાં આશા જગાડી છે.'

(3:45 pm IST)