Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

લોકસભાની ચૂંટણીને કારણે

શ્રમ કાયદાઓમાં ફેરફારો હમણા નહિ

શ્રમ કાનુનમાં પ્રસ્તાવિત ફેરફારો બાદ કર્મચારીને કાઢી મુકવાનું સરળ બનશેઃ યુનિયન બનાવવાનું બનશે મુશ્કેલ

નવી દિલ્હી તા. ૧૯ :.. ચૂંટણીનું વર્ષ હોવાથી મોદી સરકાર લેબર લો માં ફેરફાર બાબતે સાવધ થઇ ગઇ છે. લેબર મીનીસ્ટ્રીના સુત્રોનું કહેવું છે કે લેબર લો માં ફેરફાર હમણા સરકાર નથી કરવા ઇચ્છતી સરકારને લાગે છે કે મજૂર કાયદામાં ફેરફારથી કર્મચારી વર્ગ નારાજ થશે. મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અનુસાર લેબર લો માં ફેરફાર હાલમાં ન થાય તે બાબતે સહમતી છે. જે મુદાઓ બાબતે વિરોધ થઇ રહ્યો છે તેને હમણા ફ્રીઝમાં રાખી મુકવા ભારતીય મજદૂર સંઘના પ્રમુખ સાજી નારાયણનું કહેવું છે કે લેબર લો નો મુદો સામાન્ય માણસો અને કર્મચારીઓ સાથે જોડાયેલ છે એટલે સરકાર બધા પક્ષકારો સાથે વાત કર્યા બાદ નિર્ણય કરે એ જરૂરી છે. તેમણે કહ્યું કે સરકારના હકારાત્મક વલણને અમે આવકારીએ છીએ.

નવા મજૂર કાયદામાં સુચવાયેલા ફેરફાર હેઠળ કર્મચારીને નોકરીમાંથી કાઢવાનું સરળ બનશે. જયારે યુનિયન બનાવવાનું મુશ્કેલ બનશે. ટ્રેડ યુનિયન બનાવવા માટે ઓછામાં ઓછા ૧૦ ટકા અથવા ૧૦૦ કર્મચારીઓની જરૂર પડશે. અત્યારે ૭ કર્મચારી મળીને ટ્રેડ યુનિયન બનાવી શકે છે.

નવા કાયદામાં ત્રણ જુના કાયદાઓને  ભેળવવામાં આવશે. નોકરીમાંથી કાઢી મુકવા પર વધારે વળતર આપવાનું વિચારાધીન છે. પણ તે સાથે જ ૧ વર્ષથી વધારે જુના કર્મચારીને છૂટા કરતા પહેલા ૩ મહિનાની નોટીસ આપવી જરૂરી બનશે. નવો મજૂર કાયદો ઇન્ડસ્ટ્રીયલ ડીસ્યુટ એકટ ૧૯૪૭, ટ્રેડ યુનિયન એકટ ૧૯ર૬ અને ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ એકટ ૧૯૪૬ ની જગ્યાએ લાગુ થશે. ટ્રેડ યુનિયનો ૪૪ લેબર કાયદાઓની જગ્યાએ ૪ કાયદા કરવાનો વિરોધ કરી રહ્યા છે.

નવા કાયદાઓનો વિરોધ કરનારાના મત પ્રમાણે ફેરફાર પછી કર્મચારીઓની છટણી વધી જશે. કાયદામાં સુધારા પછી ફેકટરી માલીકોને વધારે અધિકારો મળશે.

એપ્રેન્ટીસ એકટમાં એક તરફી ફેરફાર કરવામાં આવ્યા છે. રાજસ્થાને ફેકટરી એકટ અને બીજા મજૂર કાયદાઓમાં એક તરફી ફેરફારો કર્યા છે. જયારે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને હરીયાણા પણ મજુર કાયદા બદલવાની તૈયારીમાં છે. (પ-૭)

(12:54 pm IST)