Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

પાક.માં સરકાર જેવું કંઈ જ નથીઃ આર્મી બેલગામઃ ૪૦૦ ટકા વધ્યુ ફાયરીંગ

પાકિસ્તાનમાં ચૂંટણી નજીક છે અને ત્યાં આર્મી અત્યારે કોઈપણ નેતૃત્વ પ્રત્યે જવાબદાર નથીઃ જેને કારણે સરહદે ફાયરીંગની ઘટનાઓમાં ચોંકાવનારો વધારોઃ આ વર્ષે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાને ૪૮૦થી વધુ વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યોઃ ૨૫ જુલાઈની સામાન્ય ચૂંટણી સુધી ફાયરીંગ ચાલુ રહે તેવી શકયતાઃ આઈએસઆઈ મદદ કરે છે ત્રાસવાદીઓને

નવી દિલ્હી, તા. ૧૯ :. પાકિસ્તાનમાં ચૂંટણી નજીક છે અને ત્યાં આર્મી અત્યારે કોઈપણ નેતૃત્વ પ્રત્યે જવાબદાર નથી. એવામાં પાકિસ્તાન તરફથી સીમા પર ગોળીબાર કરવાની ઘટનામાં વધારો થયો છે. પાકિસ્તાને આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સીમા પર ૪૮૦થી વધુ વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. ગયા વર્ષે ૧૧૧ સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ઘટનાઓની સરખામણીમાં આ ૪૦૦ ટકાથી વધુ છે. દરમિયાન પાકિસ્તાની આર્મીએ ભારતીય ચોકીઓ અને ગામડાઓ નિશાના પર લીધા એટલુ નહિં પાક. સ્નાયપરોએ ભારતીય જવાનો પર હુમલા પણ કર્યા હતા.

બીએસએફના એક અધિકારીની જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન પોતાના દળોને આ બાબતે રોજ લગભગ ૩ ગણી વખત યુદ્ધનો ભંગ કરી રહ્યુ છે. ભારતીય જવાનો દ્વારા પાકિસ્તાનના આ કાંકરીચાળાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાની તરફથી આ ભડકાવનાર એવા સમયે થઈ રહી છે કે જ્યારે ૨૦૦૩ના સીઝ ફાયર પેકટને સંપૂર્ણ રીતે લાગુ કરવાને લઈને ૨૯મી મે ના રોજ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ બેઠકમાં સહમત થયા હતા.

અધિકારીઓનું કહેવુ છે કે, પાકિસ્તાનમાં અત્યારે સરકારની ગેરહાજરીનો આર્મી લાભ લઈ રહ્યુ છે. આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા ઉપર ફાયરીંગ વધ્યુ છે કારણ કે પાક. રેન્જર્સ અને ત્યાંની આર્મી કોઈપણ નેતૃત્વને જવાબદાર રહી નથી. એવામાં સ્થાનિક કમાન્ડરોએ આ મામલો પોતાના હાથમાં લઈ લીધો છે.

ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે, સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ઘટનાઓ ૨૫ જુલાઈના રોજ યોજાનાર પાકિસ્તાની ચૂંટણી સુધી ચાલુ રહેશે. પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ફરી સક્રીય બની છે અને તેઓ બીએસએફના જવાનો પર પ્રહાર કરવા ત્રાસવાદીઓનો સહારો લઈ રહ્યુ છે. જેને પાક. રેન્જર્સનો પણ સહયોગ મળતો રહ્યો છે.

બીએસએફના ચીફ શર્માએ ભારત તરફથી જડબાતોડ જવાબ આપવાની વાત જણાવી હતી એવામાં બે વર્ષમાં એક ડઝન વખત પાકિસ્તાને સંઘર્ષ વિરામ માટે મજબૂર થવુ પડયુ હતું. જો કે અધિકારીઓનું કહેવુ છે કે, પાકિસ્તાનની ફોર્સ પોતાની વાત પર વળગી રહેતી નથી અને બન્ને દેશોની ફલેગ મીટીંગ બાદ તરત જ તે ફાયરીંગ શરૂ કરી દયે છે.(૨-૩)

(10:40 am IST)