Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

હિમાચલ પ્રદેશના કર્મઠ કંડકટર જોગી :13 વર્ષમાં એકપણ રજા નહીં, એવોર્ડ લેવા પણ નનૈયો ભણ્યો !

કુલ હક્ક રજા રોડવેઝને દાન રૂપે આપી દીધી

 

શિમલા : હિમાચલ રોડવેઝ માટે કામ કરનારા એક કર્મઠ યક્તિએ છેલ્લા 13 વર્ષના કાર્યકાળ દરમિયાન એકપણ રજા નહીં લઈને અનોખું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. ‘હિમાચલ પથપરિવહન નિગમમાં જોગિંદર સિંહ (જોગી) કંડક્ટર છે. સિરમૌર કલા સંગમ નામની એક સંસ્થા જોગીના કામ પ્રત્યેનું સમર્પણ જોઈને તેનું સન્માન કરવા જઈ રહી છે.

  અહેવાલ મુજબ જોગિંદરને સન્માન 28 જૂને આપવામાં આવશે, જોકે, જોગીએ એવોર્ડ લેવા આવવાની ના પાડી લીધી છે. જોગીનું કહેવું છે કે, જો તે સન્માન લેવા માટે આવશે તો તેને રજા લેવી પડશે.

  જોગીએ જણાવ્યું કે, ડૉ. યશવંત સિંહ પરમાર એવોર્ડ લેવા માટે તેમના પિતા જશે. જોગીએ 4 જૂન 2005ના રોજ હિમાચલ રોડવેઝના નાહન ડિપોમાં નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે આજ સુધી એકપણ રજા લીધી નથી.

 ઘણીવાર તહેવારો પર પણ જોગી ડ્યૂટી પર રહે છે. જોગીએ રવિવારે મળનારી રજા પણ નથી લીધી, જેનાથી તેમની પાસે કુલ 303 રજા એકઠી થઈ હતી જેને તેમણે રોડવેઝને દાન રૂપે આપી દીધી. જોગીને 2011માં રોડવેઝે સન્માનિત કર્યા હતા.

(12:00 am IST)