Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કેન્દ્ર સરકાર ૪.૫ વર્ષમાં સેવાની ભાવનાથી આગળ વધીઃ નરેન્દ્રભાઇ

વડાપ્રધાન વારાણસીમાં: અનેક યોજનાઓનું લોકાર્પણ

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે મંગળવારે તેમના સંસદીય વિસ્તાર વારાણસીમાં પહોંચ્યા છે.અહીં તેમની આ ૧૭મી મુલાકાત છે. સૌથી પહેલા તેમણે ડીઝલથી ઇલેકિટ્રકમાં કન્વર્ટ થતી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. રવિદાસ જયંતીના દિવસે મોદી તેમના મંદિરે પણ ગયા હતા. આજે અહીં તેઓ ભંડારામાં ભોજન પણ કરશે. બપોર પછી તેઓ સંત સમાગમ સ્થળે પહોંચશે.

નરેન્દ્રભાઇએ જણાવેલ કે કેન્દ્ર સરકાર ૪.૫ વર્ષમાં સેવાની ભાવનાથી આગળ વધી છે. બાળકોને શિક્ષણ યુવાઓને રોજગારી અને વૃધ્ધોને મેડીકલ સુવીધા અને ખેડૂતોને સિંચાઇ આપવામાં આવી છે. દેશના ૧૨ કરોડ ગરીબ ખેડૂત પરિવારને રૂ.૬ હજારની સીધી સહાય આપવામાં આવી છે.

ત્યારપછી બનારસમાં હિન્દુ વિશ્વવિદ્યાલય (બીએચયૂ) જશે અને અહીં કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. વારાણસીમાં મોદી ૨૧૩૦ કરોડની યોજનાઓનું લોકાર્પણ કરશે. આજે મોદી અહીં અમુક પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. તેમાં સેન્ટ્રલ ડિસ્કવરી સેન્ટર, સ્માર્ટ સિટી ઇન્ટીગ્રેટેડ કમાન્ડ સેન્ટર, માન મહલ મ્યૂઝિયમ, ગોઇઠહા એસટીપી પ્રમુખ મુખ્ય છે. ફેબ્રુઆરી મહિનામાં તેમની ઉત્તરપ્રદેશની આ ત્રીજી મુલાકાત છે.

વડાપ્રધાન આજે પુલાવામામાં શહીદ થયેલા રમેશ યાદવ અને અવધેશ યાદવના પરિવાર સાથે મુલાકાત કરે તેવી પણ શકયતા છે. આજે અહીં  મોદી ઔઢે ગામમાં જનસભા પણ સંબોધવાના છે.

ફેબ્રુઆરી મહિનામાં મોદીએ આ ત્રીજી વખત ઉતરપ્રદેશની મુલાકાત લીધી છે. આ પહેલાં ૧૧ ફેબ્રુઆરીએ મોદી વૃંદાવન અને નોઇડા જ્યારે ૧૭ ફેબ્રુઆરીએ ઝાંસી આવ્યા હતા. ત્યારપછી ૨૪ ફેબ્રુઆરીએ ગોરખપુર અને ૨૭ ફેબ્રુઆરીએ કોંગ્રેસના ગઢ અમેઠીની મુલાકાત કરવાના છે.

(3:42 pm IST)