Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સાંભળો દ્રૌપદી શસ્ત્ર ઉપાડી લો, હવે ગોવિંદ નહીં આવે : પ્રિયંકા

કોંગ્રેસ મહામંત્રીએ ચિત્રકૂટ ખાતે મહિલાઓ સાથે કર્યો સંવાદ : કોંગ્રેસ પાર્ટી મહિલાઓને ૪૦ ટકા ટિકિટ આપશે : ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે : પ્રિયંકા

ચિત્રકુટ તા. ૧૮ : કોંગ્રેસના મહામંત્રી હાલમાં ચિત્રકૂટના પ્રવાસે છે.તેમણે ધર્મનગરીના સ્વામી મત્સ્યગજેન્દ્ર મંદિરમાં પૂજન કરીને મંદાકિની કિનારે સભાને સંબોધન કર્યું હતું.પ્રિયંકાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પ્રદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે.ખાતર મેળવવા કતારમાં ઊભેલા અનેક લોકો જીવ ગુમાવી ચૂકયા છે.કોરોનાકાળમાં ભાજપ સરકાર નિષ્ફળ ગઇ છે.મહિલાઓમાં જોશ ભરતાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે, 'પ્રતીક્ષા ખૂબ થઇ ગઇ.સાંભળો દ્રૌપદી શસ્ત્રો ઉપાડી લો ગોવિંદ હવે નથી આવવાના.બીજાઓની આશા કયાં સુધી રાખશો.દુશાસન દરબાર પાસેથી કેવી રીતે સુરક્ષા માંગશો. મહિલાઓએ એકસંપ થઇને રાજકારણમાં પોતાનો અધિકાર મેળવવો જોઇએ.કોંગ્રેસ પાર્ટી મહિલાઓને ૪૦ ટકા ટિકિટ આપશે.'તેમણે મહિલાઓને પોતાનું પ્રતિજ્ઞાપત્ર વાંચીને સંભળાવ્યું પણ હતું.તેમણે એમ પણ કહ્યું કે ખેડૂતોના પૂરા દેવાં માફ કરવામાં આવશે.

પ્રિયંકાએ મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો.સ્વયં સહાયતા સમૂહ ચલાવી રહેલા બિઠારી ગામના ગિરિજાદેવી અને આંગણવાડી કાર્યકર્તા મિથિલેશ દેવીએ પોતાના સંઘર્ષની વાત કરી હતી.તેમણે કહ્યું કે ભાજપ કાર્યકાળ દરમિયાન તેમના કામોને કોઇ મહત્ત્વ ના મળ્યું.તેમના વેતનમાં પણ વધારો નથી થયો. કોરોનાકાળમાં પણ આરોગ્ય વિભાગ અને સરકારે તેમને રોજ સમાજ વચ્ચે પહોંચીને કામ કરવા જણાવ્યું હતું.કામ વખતે જરૂરી સામગ્રી સાથે લઇ જવી પડતી હતી અને તે ખર્ચપેટે કોઇ ચુકવણી પણ નહોતી થતી.

(10:26 am IST)