Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સરકારી સ્કુલના નાનકડા રૂમમાં ઠાંસી ઠાંસીને ગાયો બળદને બંધ કરાતા ૧૭ ના મોત થયા

એક અઠવાડીયા સુધી ચારા વિના પૂરી દેવાયેલઃ અજાણ્યા લોકોનું કારસ્તાન

મધ્યપ્રદેશના ગ્વાલીયર : (જીલ્લા-મુખ્યાલય)થી લગભગ ૫૦ કિલોમીટર દુર ગબરા તાલુકાના સમુદન ગામમાં રસ્તે રઝળતા ગોવંશને સરકારી શાળાના એક નાનકડા કમરામાં કથિતરીતે સાત દિવસ સુધી ચારા-પાણી વગર ઠાંસી ઠાંસીને બંધ કરી દેવાયો હતો. જેના કારણે ૮ ગાયો સહિત ૧૭ ગૌવંશના મોત થયા હતા. આખા વિસ્તારમાં દુર્ગધ ફેલાયા પછી બુધવારે રાત્રે બધા શબોને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ગબરાના નાયબ કલેકટર રાધવેન્દ્ર પાગેએ જણાવ્યું, ''અમને સૂચના મળી હતી કે સમૂદન ગામની સરકારી શાળાના પરિસરમાં મરેલા ગૌવંશને દફનાવાઇ રહ્યો છે, ત્યાર પછી તરત હું પોલિસ દળ સાથે બુધવારે રાતનાજ ઘટના સ્થળે પહોંચ્યો, પણ ત્યાં સુધીમાં દફનાવવા વાળા ત્યાંથી ભાગી ગયા હતા'' જે ૧૭ ગૌવંશના મોત થયા છે તેમાં ૮ ગાય અને ૯ બળદ છે. આ બનાવમાં અજાણ્યા લોકો સામે કેસ નંધાવવામાં આવ્યો છે અને વિસ્તૃત તપાસ ચાલુ છે.તેમણે કહ્યું કે આ શાળા પરિસરમાં ગ્રામ પંચાયત અને આંગણવાડી સહીત ચાર સરકારી ઓફિસો છે અને તેમના કર્મચારીઓને પણ નોટીસ આપવામાં આવી છે. જો કોઇ કર્મચારી દોષિત જણાશે તો તેના વિરૂધ્ધ ગુનાહિત અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સુત્રો અનુસાર, આ ગૌવંશના મોત પછી જયારે દુર્ગંધ ફેલાવા લાગી તો અજાણ્યા ગ્રામીણોએ બુધવારની રાતે શાળા પરિસરમાં ખાડો ખોદીને ગાય-બળદોને દફનાવવાનું શરૂ કર્યુ હતું. આની ખબર બીજા ગ્રામીણો અને હિંદુ સંગઠનના કાર્યકરોને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. બજરંગ દળના સ્થાનીક નેતા મનોજ રજઠે દાવો કર્યો છે કે આ ગૌવંશને લગભગ એક અઠવાડીયા પહેલા શાળાના એક રૂમમાં અજ્ઞાત ગ્રામીણોએ પુરી દીધા હતાં. તેમને ચારો-પાણી પણ નહોતો અપાયો. તેમને ખબર મળતા બજરંગ દળના કાર્યકરો ત્યાં પહોંચી ગયા અને ગ્રામીણોને મરી ગયેલા આ ગૌવંશને દફનાવતા પણ જોયા હતાં. ત્યાં પછી અમે નાયબ કલેકટરને જાણ કરી હતી.

રજકે જણાવ્યું કે આ ગૌવંશનું મોત શ્વાસ રૃંધાવાથી પણ થઇ હોય કેમકે તેમને એક નાના કમરામાં ઠાંસી ઠાંસીને પુરવામાં આવ્યા હતા આ ઉપરાંત, અંદરો અંદરની લડાઇમાં પણ તેમના મોત થયા હોઇ શકે છે, કેમકે કમરાની દિવાલો પર લોહીના ડાઘો પણ જોવા મળ્યા છે. આ ઘટનાની માહિતી મળ્યા પછી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે ગઇકાલે ટવીટર પર લખ્યુ હતું કે ગ્વાલિયરના ગબરાના સમુદનમાં ૧૭ ગાયોના મોતની ઘટના અત્યંત દુઃખદ છે. આની નિષ્પક્ષ તપાસના આદેશ તપાસમાં જેમના નામ ખુલશે તેના પર સખત કાર્યવાહી થશે.

(3:29 pm IST)