Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બ્રેડના ભાવ ૬૦ ટકા વધ્યાઃ ઝીમ્બાબ્વેમાં કારમી મોંઘવારીઃ ફુગાવો ૨૦૦ ટકા

હરારે, તા.૧૮: ઝિમ્બાબ્વેમાં મોંઘવારી કૂદકે અને ભૂસકે વધી રહી છે ત્યારે બ્રેડની કિંમતમાં બુધવારે રાતોરાત ૬૦ ટકાનો વધારો થયો હતો. ઝિમ્બાબ્વેમાં દસ વર્ષ અગાઉ ફુગાવાનો દર ૫૦૦ અબજ ટકા વધ્યો હતો તે દિવસો ઝિમ્બાબ્વેના રહેવાસીઓને ફરી યાદ આવી રહ્યા છે. ઝિમ્બાબ્વેમાં ફયૂઅલ અને દવા જેવી જરૂરિયાતની ચીજવસ્તુઓની તંગી પણ વર્તાવા લાગી છે. સંખ્યાબંધ પરિવારો પ્રતિદિન એક ટંક ભોજન મેળવી શકે છે.

બ્રેડ ઉત્પાદકોએ કહ્યું કે ઉત્પાદન ખર્ચમાં વધારો થતા તેમને બ્રેડની કિંમતમાં વધારો કરવો પડ્યો છે. નેશનલ બેકર્સ એસોસિયેશનના પ્રમુખ ડેનિસ વાલાએ કહ્યું કે વીજળી, ફયૂઅલ,ઘઉંની આયાત કરવાનો ખર્ચ, કાચા માલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. વીજળી દિવસના ફકત છ કલાક મળતી હોવાથી ઘણી બેકરીઓએ જનરેટરનો ઉપયોગ કરવો પડે છે.

એક જ દિવસમાં બ્રેડની કિંમત નવ ઝિમ્બાબ્વે ડોલરથી વધીને ૧૫ ઝિમ્બાબ્વે ડોલર થઈ હતી. ઝિમ્બાબ્વેના પ્રમુખ એમર્સન ન્નાનગાગ્વાએ ગત સપ્તાહમાં અર્થતંત્રને પુનઃ ચેતનવંતું કરવા 'સમય' લાગશે અને ધીરજ ધરો તેવી પ્રજાને વિનંતી કરી હતી. ગત સપ્તાહમાં વીજળીનો ભાવ ચાર ગણો કરવામાં આવ્યો હતો જયારે ફયૂઅલના ભાવમાં ૨૫ ટકા જેટલો વધારો થયો હતો.

ફુગાવાનો સરકારી આંકડો સપ્ટેમ્બરમાં ૨૯૦ ટકા હતો. જોકે ફુગાવો સરકારી આંકડાથી બમણો છે તેવો અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે

(9:53 am IST)