Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

પીયુસી સર્ટીફીકેટ નથી ? તો વાહન જપ્ત થઇ શકશે

હવે વાહન પ્રદૂષણને અવગણવાનું ભારે પડશે : માર્ગ પરિવહન મંત્રાલયે પીયુસી માટેના નવા નિયમો જાહેર કર્યા : પીયુસી સર્ટી. નહિ હોય તો દંડની પણ જોગવાઇ : જો વાહન ધુમાડો ઓકે તો નવેસરથી ટેસ્ટ કરાવવો પડશે

નવી દિલ્હી તા. ૧૮ : વાહન પ્રદૂષણ બાબતે બેદરકારી હવે વાહન માલિકોને ભારે પડી શકે છે. રોડ પરિવહન મંત્રાલય દ્વારા વાહન પ્રદૂષણ સર્ટીફીકેટ માટે નવા નિયમો અધિસૂચિત કરાયા છે. જેના હેઠળ બધા વાહનો માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (પીયુસી) હવે દેશભરમાં એક સરખું હશે. બધા પીયુસીનો ડેટા રોડ પરિવહન મંત્રાલયના નેશનલ રજીસ્ટર સાથે જોડાયેલો હશે. જેથી જરૂર પડયે સંબંધિત અધિકારી પ્રદૂષણ ફેલાવી રહેલ વાહન માલિકને નોટીસ મોકલી શકે અથવા તેમને જાણ કરી શકે. આનાથી પ્રદૂષણ ફેલાવનારા વાહનો પર સહેલાઇથી નજર રાખી શકાશે. આનો એક ફાયદો એ પણ થશે કે પીયુસીની મુદ્દત પુરી થશે ત્યારે મોબાઇલ ફોન પર એક મેસેજ આવશે કે રીન્યુઅલ કરાવવાનું છે.

પ્રદૂષણ નિયમ પાલન સાથે સંકળાયેલા અધિકારીને જો કોઇ વાહન વધારે પ્રદૂષણ ફેલાવતું હોવાની શંકા જશે તો તે વાહન માલિકને કોઇ અધિકૃત કેન્દ્ર પર ફરીથી પ્રદૂષણ ચકાસણીની નોટીસ મોકલી શકે છે. આ નોટીસ ઇલેકટ્રોનિક મોડમાં અથવા એસએમએસથી મોકલાશે. જો વાહન માલિક એ નોટીસનું પાલન નહીં કરે અને નિશ્ચિત સમયમાં પ્રદૂષણનું ચેકીંગ નહીં કરાવે તો દંડ વસૂલવામાં આવશે. જો કે હજુ એ ચોખવટ નથી થઇ કે દંડની રકમ કેટલી હશે. પીયુસી ના આવે ત્યાં સુધી સંબંધિત વાહનનું રજીસ્ટ્રેશન અથવા પરમીટ રદ્દ થઇ શકે છે અને વાહન જપ્ત પણ કરી શકાય છે.  નવા નિયમ હેઠળ બધા પીયુસી પર વાહન માલિકની સંપૂર્ણ માહિતી હશે. હવે પીયુસી પર વાહનમાલિકનો મોબાઇલ નંબર ફરજીયાત આપવો પડશે. ઓટીપી મોકલીને મોબાઇલ નંબરનું વેરીફીકેશન કરાશે. આ ઉપરાંત પીયુસી માટે વાહન માલિકનું નામ, સરનામુ, એન્જીન અને ચેસીસ નંબર પણ ફરજીયાત આપવાના રહેશે જેને સંપૂર્ણપણે ગુપ્ત રખાશે. પ્રદૂષણ તપાસ દરમિયાન માપદંડથી વધારે પ્રદૂષણ ફેલાવનારા વાહનોને નાપાસ થવાનું સર્ટીફીકેટ આપવામાં આવશે. આ સર્ટીફીકેટ દેખાડીને વાહન માલિક સર્વિસ સેન્ટરમાં પોતાના વાહનના પ્રદૂષણ સ્તરને બરાબર કરાવી શકશે અથવા બીજા પીયુસી સેન્ટરમાં વાહનનું પ્રદૂષણ ચેક કરાવી શકશે. બધા પીયુસી પર કયુઆર કોડ હશે, જેનાથી તે સર્ટીફીકેટ આપનાર કેન્દ્રની સંપૂર્ણ માહિતી મળી જશે. આ સુવિધા પહેલીવાર લાગુ કરાઇ રહી છે. વર્તમાનમાં જો કોઇ વાહન પીયુસી વગર ચાલતું હોય તો તેની ખબર ત્યારે જ પડે છે જ્યારે ચેકીંગ થાય છે. નવા નિયમ પછી પ્રદૂષણ ચેકીંગની માહિતી નેશનલ ડેટા રજીસ્ટરમાં અપડેટ થતી રહેશે. જેનાથી ખબર પડી જશે કે કયાં વાહનોનું પ્રદૂષણ ચેકીંગ કયારથી નથી થયું.

  • શું છે નવા નિયમો ??

. પીયુસી નહીં હોય તો ભારે દંડ

. રિન્યુ ન થાય ત્યાં સુધી વાહન નહીં ચલાવી શકાય

. જો વાહન ધૂમાડા કાઢતું હશે તો પીયુસી હોવા છતાં ફરીથી કરાવવું પડશે પ્રદૂષણ ચેકીંગ

. પીયુસીમાં મોબાઇલ નંબર, સરનામુ, એન્જીન અને ચેસીસ નંબર જેવી માહિતીઓ ફરજીયાત

(10:55 am IST)