Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

'મિશન ગઠબંધન' પર ચંદ્રબાબુ નાયડુઃ દિલ્હીમાં પડાવ

રાહુલ-માયાવતીને મળશેઃ યેચુરી-કેજરીવાલ સાથે બંધ બારણે બેઠકઃ વિપક્ષી એકતા માટે દોડધામઃ ગમે તેમ કરીને મોદીને સત્તાથી દૂર રાખવા નિર્ધાર

નવી દિલ્હી, તા. ૧૮ :. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર બંધ થઈ ગયો છે. હવે ૧૯ મે એ સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થશે અને ૨૩ મે એ દુનિયાની સૌથી મોટી લોકશાહીનું પરિણામ જાહેર થશે. એક બાજુ વડાપ્રધાન મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં પૂર્ણ બહુમતી સાથે જીતનો દાવો કર્યો છે તો બીજી તરફ વિપક્ષો ફરીથી ગઠબંધનની કસરત કરવા લાગ્યા છે.

વિપક્ષોએ એવું માની લીધુ છે કે આ ચૂંટણીમાં કોઈ પક્ષને પૂર્ણ બહુમતી નહીં મળે એટલે વિપક્ષી છાવણી પોતાના પક્ષે ખેંચવાના પ્રયત્નો શરૂ કરી ચુકી છે. કદાચ એટલે જ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ 'મિશન ગઠબંધન' માટે ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે.

ચંદ્રાબાબુ નાયડુ આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે ત્યાર પછી લખનૌ જઈને બસપા ચીફ માયાવતીને મળશે. આ પહેલા નાયડુએ ગઈકાલે મોડી સાંજે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.

સૂત્રો અનુસાર તેમણે શુક્રવારે કોંગ્રેસ નેતા મનુ સિંઘવી અને માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી સાથે પણ મુલાકાત કરી હતી એમ પણ કહેવાય રહ્યુ છે કે, તેઓ આજે શરદ યાદવને પણ મળી શકે છે.

જ્યારે બીજી તરફ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલા જ કોંગ્રેસે સરકાર બનાવવા માટે માસ્ટર પ્લાન બનાવવાનું શરૂ કરી દીધુ છે. આ પ્લાનમાં ઘણા પાત્રો છે, કોઈ રાજા, કોઈ રાણી, કેટલાય મોહરા અને કેટલાય પ્યાદા છે. જ્યારે મિશન એ છે કે જો ભાજપાને બહુમતી ન મળે તો કોંગ્રેસ યેનકેન પ્રકારે બધા પક્ષોને ભેગા કરીને સરકાર બનાવવા માટે જરૂરી આંકડા સુધી પહોંચે.

આ પ્લાન પર યુપીએ પ્રમુખ અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ધ્યાન આપી રહ્યા છે. સોનિયા ગાંધીના કારણે ૨૦૦૪માં કોંગ્રેસને ૧૪૫ બેઠકો મળી હોવા છતા મનમોહનસિંહની સરકાર બની હતી. કોંગ્રેસનો ઈતિહાસ છે કે ૧૦૦નો આંકડો પાર કરતા જ સરકાર બનાવવાની રણનીતિમાં કોંગ્રેસનો કોઈ મુકાબલો નથી અને આ વખતે પણ આ કામ સોનિયા ગાંધીએ પોતાના હાથમાં લીધુ છે.

આ સાથે જ સોનિયા ગાંધી અને તેમની ટોળકી ફરીથી એકવાર સક્રિય થઈ ગઈ છે કેમ કે તેમને ખબર છે કે ઘણા સ્થાનિક પક્ષો એવા છે જે સીધા રાહુલ ગાંધી સાથે વાત કરવામાં મુંઝાય તેમ છે, એટલે રણનીતિના ભાગરૂપે સોનિયા ગાંધીને ફરી એકવાર આગળ કરવામાં આવ્યા છે. ૨૩ મે એ આવનારા પરિણામો પહેલા જ કોંગ્રેસ પુરી તૈયારી કરી રહી છે.

ગઈકાલે એક પ્રેસકોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે માયાવતી, અખિલેશ અથવા ચંદ્રાબાબુ ભાજપા સાથે જાય. રાહુલના આ બયાનથી ગઠબંધનની કસરત તેજ હોવાનું મનાય રહ્યુ છે.

(11:33 am IST)