Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

પાકિસ્તાન કર્યા ભોગવે છેઃ મોંઘવારીના ડાકલાઃ એક સંતરૂ ૩૦ રૂપિયાનું: ૧ લીટર દૂધ ૧૨૦નું: ડોલર સામે રૂપિયો ૧૪૮ થયો

ખાવાપીવાની ચીજોના ભાવ ભડકે બળતા લોકો મુશ્કેલીમાં મુકાયા

ઈસ્લામાબાદ, તા. ૧૮ :. ત્રાસવાદને પ્રોત્સાહન આપવા બેફામ પૈસા વાપરતા પાકિસ્તાનની હાલત હવે કફોડી થઈ ગઈ છે, ત્યાં મોંઘવારીના રાક્ષસે ધૂણવાનુ શરૂ કર્યુ છે. લોકો ફળ, શાકભાજી અને દૂધ માટે તરસી રહ્યા છે. પાકિસ્તાનની મુદ્રા ડોલરના મુકાબલે સૌથી નીચલા સ્તર પર આવી ગઈ છે. જેના કારણે ત્યાં ૩૦ રૂ.નું એક સંતરૂ, ૧૨૦ રૂ.નું દૂધ, ૧૧૦૦ રૂ.નું કિલો મટન, લીંબુ અને સફરજન ૪૦૦ રૂ. કિલો મળી રહ્યા છે.

પાકિસ્તાનમાં ઉંમર કુરેશી નામના શખ્સે ફળો અને શાકભાજીના ભાવો ટ્વીટ કર્યા છે. તેના કહેવા મુજબ હવે ફળ અને શાકભાજી ખાવા લોકોની ત્રેવડ નથી. ત્યાં ૩૬૦ રૂપીયે ડઝન સંતરા, ૧૫૦ રૂ.ના એક ડઝન કેળા, લીંબુ અને સફરજન ૪૦૦ના કિલો મળે છે, તો મટનનો ભાવ ૧૧૦૦ રૂ. કિલો અને ચીકન ૩૨૦ રૂપિયે કિલો પહોંચી ગયુ છે. ૧ લીટર દૂધના ૧૨૦ રૂ. આપવા પડી રહ્યા છે.

પાકિસ્તાનની મુદ્રા ડોલરના મુકાબલે ૧૪૮ રૂ. ઉપર પહોંચી ગઈ છે. પાકિસ્તાન હાલ દેવાના ડુંગર ઉપર દબાયેલુ છે. પાકિસ્તાનનો રૂપિયો એશીયાના ૧૩ ચલણોમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. મોંઘવારી જે રીતે ફાટ ફાટ થઈ રહી છે તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

(10:35 am IST)