Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

યુપીમાં બુરખાની આડમાં બોગસ વોટિંગથી બબાલઃ અમરોહામાં ભાજપ-બસપાના ઉમેદવારો સામસામે

લખનૌ, તા.૧૮: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે દેશની ૯પ બેઠક પર મતદાન જારી છે. પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં નકલી વોટિંગનો મામલો સામે આવ્યો છે. ભાજપના સાંસદ કંવરસિંહ તંવરે એવો આક્ષેપ કર્યો છે કે બુરખા પહેરીને નકલી વોટિંગ કરવામાં આવી રહ્યું છે, જેને લઇને અમે ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી છે.

કંવરસિંહ તંવર અમરોહાની બેઠક પરથી ભાજપના સાંસદ છે અને તેમને આ વખતે ફરી ટિકિટ આપવામાં આવતાં તેઓ ઉમેદવાર પણ છે. જયારે સામે પક્ષે બસપાના ઉમેદવાર દાનીશઅલીએ ભાજપ પર વળતો આક્ષેપ કર્યો છે કે ભાજપ સ્વયં આ રીતે બોગસ વોટિંગ કરાવી રહ્યો છે.

કંવરસિંહ તંવરે એક ટીવી ન્યૂૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક શખસ બુરખો પહેરીને નવગાંવા ગામમાં મતદાન કરી રહ્યો હતો. જેને ઝડપી લેવામાં આવ્યો છે. તેણે જણાવ્યું હતું કે પોલીસ અત્યારે તેને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ છે.

કંવરસિંહ તંવરે જણાવ્યું છે કે અમરોહામાં લગભગ ૧૦૦ એવાં બૂથ છે જયાં તેમનાં પોલિંગ એજન્ટ નથી. ત્યાંથી અમારા પોલિંગ એજન્ટને ભગાડી દેવામાં આવ્યા છે અને હવે ત્યાં બોગસ વોટિંગ ચાલી રહ્યું છે. કંવરસિંહ તંવરે તેને લઇને સત્તાવાર ફરિયાદ પણ કરી દીધી છે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે વહીવટી તંત્ર, પોલીસ અને બૂથ એજન્ટ તમારા છે તો પછી બોગસ વોટિંગ કઇ રીતે થઇ શકે? ત્યારે તેના જવાબમાં કંવરસિંહ તંવરે જણાવ્યું હતું કે અત્યારે બધું જ ચૂંટણી પંચના હાથમાં છે.

ભાજપના આ આક્ષેપનો વળતો જવાબ આપતાં બસપાના ઉમેદવાર દાનીશઅલીએ જણાવ્યું છે કે ભાજપ જ પોતાના માણસોને બુરખા પહેરાવીને બોગસ વોટિંગ કરવા માટે મોકલી રહ્યો છે.

(3:44 pm IST)