Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

૧લી મેથી ૨૪ કલાક દુકાનો ચાલુ રાખવાનો અમલ

ગુજરાત રાજયના સ્થાપના દિવસથી નવા કાયદાનો અમલઃ કેટલાક નિયમો તુરતમાં જાહેર કરાશેઃ નવા કાયદાથી રોજગારી વધશેઃ વેપારીઓની આવક વધશેઃ પ્રજાને જલ્સો પડશે

નવીદિલ્હી, તા.૧૮: ગુજરાતમાં રાઉન્ડ છ કલોક એટલે કે ૨૪ કલાક દુકાનો-ઓલ્સ-બજાર વગેરે ખુલ્લા રહેએ દિવસો હવે દુર નથી. દરેક દુકાનો અને એલ્સ વગેરે ૨૪ કલાક ખુલ્લા રહે તે હકકીત હવે વાસ્તવિક બનવા જઇ રહી છે. ૧ લી મે થી અમલ થશે તેવું જાણવા મળે છે.

''ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ''ગુજરાત સ્થાપના દિવસથી એટલે કે પહેલી મેથી લાગુ થઈ શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત વિધાનસભામાં રાત્રે ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી દુકાનદારો તેમજ અન્ય ધંધાર્થીઓને ધંધો કરવા પર રોક લગાવવાના પહેલાના કાયદામાં સુધારો કરવાને લઈને એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને લઈને લોકોમાં આશા પણ જાગી હતી.

શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ જણાવ્યું કે, 'રાજયપાલે આ બિલ પાસ કર્યું હતું અને હવે પહેલી મેથી રાજયભરમાં તેને લાગુ કરાશે. આ અંગેના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેને ટૂંક સમયમાં જાહેર કરાશે.' આ કાયદો લાગુ થયા બાદ દુકાનો, શોપિંગ મોલ્સ તેમજ પાથરણમાં બજાર ૨૪ કલાક સુધી ધમધમતા રહેશે.

વિપુલ મિત્રાએ જણાવ્યું કે, 'નેશનલ અને સ્ટેટના હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ, હોસ્પિટલ તેમજ હોટેલને ૨૪ કલાક સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. જયારે નગરપાલિકાઓમાં રાત્રે ૧૧ વાગ્યા સુધી જ દુકાનોને ખુલ્લી રાખવાની મંજૂરી અપાશે'. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ટ્રાફિક જેવા વિશેષ કિસ્સાઓમાં અધિકારીઓ મોડી રાત્રે દુકાનો બંધ કરાવી શકે છે, જો કે તે ૧૫ દિવસ કરતાં વધારેના સમયગાળા માટે હોઈ શકે નહીં.

ગુજરાત સરકારના આ નવા કાયદાથી વેપારીઓની આવકમાં વધારો થશે, સાથે જ તેનાથી નવી રોજગારીની તકો પણ ઊભી થશે. સરકારે સુધારો લાવવા માટે આ પગલા લીધા છે જેનાથી દુકાનદારોને જૂના નિયમોથી મુકિત મળશે સાથે જ કર્મચારીઓનું હિત પણ જોવાશે. મહિલા કર્મચારીઓ પણ હવે રાતના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કામ કરી શકશે સાથે જ જયાં ૩૦ કરતાં વધારે મહિલા કર્મચારીઓ નાઈટ શિફટ કરતી હશે ત્યાં ઘોડિયાઘર જેવી સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત ૧૦૦ કરતાં વધારે કર્મચારીઓ હશે તો કંપનીએ કેન્ટિનની સુવિધા પણ આપવી પડશે.

દસ કરતાં ઓછા કર્મચારીઓને કામ પર રાખનારા દુકાનદારોએ સર્ટિફિકેટ લેવાની જરૂર નહીં પડે. તેમણે માત્ર ધંધાની શરૂઆત કર્યાના ૩૦ દિવસની અંદર સ્થાનિક સત્ત્।ાધીશોને ઓનલાઈન લખાણ જાણ કરવાની રહેશે. ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ હેઠળ કુલ ૧૦ લાખ કર્મચારીઓ ધરાવતાં ૭ લાખ જેટલા યુનિટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આવા એકમોમાં કામ કરતાં કર્મચારીઓ માટે સરકારે ઓવરટાઈમના પગારમાં પણ વધારો કરવાની દરખાસ્ત મુકી છે.(૨૨.૫)

 

(12:12 pm IST)