Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

૫૫ વર્ષ દેશે ભોગવી કોંગ્રેસની તાનાશાહીઃ ધાનાણીના ગઢમાં ગર્જયા મોદી : ભારત દેશે પાકિસ્તાનને પ્રથમ વખત રડતુ જોયુ, કાશ્મીરની સમસ્યા કોંગ્રેસે વારસામાં આપી, હું તો તેનો મુકાબલો કરૂ છું

અમરેલીમાં મોદીએ કોંગ્રેસ ઉપર એર સ્ટ્રાઇક, ગરીબી, આતંકી હૂમલાઓ, સરદાર પટેલ સ્ટેચ્યુ જેવા મુદ્દાને લઇને કર્યા તીખા પ્રહારો : માછીમારોના હિતમાં કિસાન ક્રેડીટકાર્ડ જેવા કાર્ડ માછીમારોને પણ અપાશે, જલશકિત મંત્રાલય બનાવાશેઃ ખેડૂતો માટેની યોજનાનો લાભ દેશના બધા ખેડૂતોને અપાશે : પૂ. ભોજલરામ બાપા અને પૂ. જલારામ બાપા, જીવરાજભાઇ મહેતા, દુલા ભાયા કાગ, કાનજી ભુટા બારોટ, કવિ કલાપી, કવિ રમેશ પારેખને યાદ કર્યાઃ હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ સાળંગપુર હનુમાનજીના આશિર્વાદ પ્રાપ્ત થાય તે માટે વડાપ્રધાને પ્રાર્થના કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમરેલીમાં યોજેલી વિશાળ જાહેરસભાની તસ્વીરો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 અમરેલી તા. ૧૮ :. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે સવારે  અમરેલીના મહેમાન બન્યા છે અને કમાણી ફોર વર્ડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધી હતી.

આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી પરિવારને આડેહાથલીધા હતા અને પપ વર્ષના દેશ એક જ પરિવારની તાનાશાહી જોઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રારંભે બધાને કેમ છો ? તેમ કહ્યુ હતું ત્યાર બાદ પૂ. ભોજલરામ બાપા અને પૂ. જલારામ બાપા, પૂ. બજરંગદાસબાપા,  જીવરાજભાઇ મહેતા, દુલા ભાયા કાગ, કાનજી ભુટા બારોટ, કવિ કલાપી, કવિ રમેશ પારેખને યાદ કર્યા હતા. હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ સાળંગપુર હનુમાનજીના આશિર્વાદ પ્રાપ્ત થાય તે માટે વડાપ્રધાને પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, ૨૩ મે એ પરિણામ આવ્યા બાદ ફરી એકવાર મોદી સરકાર શાસન પર આવશે અને ખેડૂતોના હિતમાં નિર્ણયો લઈને અત્યાર સુધી માત્ર દેશના ૧૨ કરોડ ખેડૂતોને કૃષિ સહાયનો લાભ મળી રહ્યો છે તેવો લાભ સમગ્ર દેશના દરેક ખેડૂતોને મળે તે માટે યોજના જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત અલગ જલશકિત મંત્રાલય બનાવીને કેન્દ્રમાં અલગ મંત્રાલય બનાવાશે. માછીમારોના હિતમાં પણ નિર્ણય લઈને ખેડૂતોને જે રીતે કિસાન ક્રેડીટકાર્ડ આપવામાં આવે છે તેવી રીતે માછીમારોને પણ ક્રેડીટકાર્ડ અપાશે અને અલગ મંત્રાલય બનાવવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, કાશ્મીરની સમસ્યા કોંગ્રેસે વારસામાં આપી છે. હું તો તેનો મુકાબલો કરૂ છું. પહેલા છાસવારે બોંબ ધડાકા થતા હતા પરંતુ મોદી સરકારે જ્યારથી શાસન ધુરા સંભાળી છે ત્યારથી હિન્દુસ્તાનના એકેય ખૂણામાંથી અવાજ આવ્યો છે ? તેવો પ્રશ્ન કર્યો હતો. આને સેવા, સુરક્ષા કે મક્કમતા ન કહેવાય તો બીજુ શું કહેવાય ?

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે અમરેલીએ મને સામાજિક, રાજકીય અને ધાર્મિક રીતે દરેક વખતે મને સાક્ષી બનાવ્યો છે. ૨૦૦૧થી મારા જીવનની નવી શરૂઆત થઈ હતી અને ત્યારથી તમારી સાથે ધરોબો થઈ ગયો છે. ગુજરાત રાજ્યની સેવા કરતા કરતા મને ભારે હૈયે વિદાય આપી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે પાકિસ્તાનનો

ઘરમા જઈને ખેલ પાડી દીધો હતો. ૪૦ જવાનો શહિદ થયા બાદ કોંગ્રેસે દેકારો મચાવી દીધો હતો અને હવે મોદી સરકાર નહિ રહે તેવી વાતો કરવા લાગ્યા હતા અને આમા પણ રાજકારણ લાવ્યા હતા. પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને ચિંતા હતી કે હવે મોદી સરકાર જંપીને નહિ બેશે તેથી આધુનિક શસ્ત્રો ભારતની સરહદે પાકિસ્તાન સરકારે ગોઠવી દીધા હતા અને પાકિસ્તાનને દેશ આખાયે પ્રથમ વખત રડતુ જોયુ હતુ તેનુ કારણ તમે છો કારણ કે તમે ચોકીદાર જ એવો બેસાડયો છે કે મર્દ સરકાર કોને કહેવાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જણાવ્યુ હતુ કે ભારતીય સેનાને મળેલ રક્ષણ પરત કરવા આસ્પાનો કાયદો હટાવવા માગે છે, રાષ્ટ્રદ્રોહ સહિતના કાયદા દૂર કરીને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પોતાની માનસિકતા છતી કરી દીધી છે. કોંગ્રેસ આઝાદીપછી સૌથી ઓછી બેઠકો ઉપર ચૂંટણી લડે છે. કોંગ્રેસ દેશને ડુબાડવા બેઠુ છે.

અમરેલી જિલ્લો દૂધ ઉત્પાદન, મધ ઉછેર કેન્દ્રમાં ખૂબ જ આગળ રહ્યો છે ત્યારે આવનાર સમયમાં સોલાર પેનલ બનાવીને ખેડૂતોને સૂર્ય શકિતના માધ્યમથી આવક મળે તે દિશામાં સરકાર કામગીરી કરશે તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંતમાં જણાવ્યુ હતું.

આ તકે જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, નારણભાઇ કાછડીયા, દિલીપભાઇ સંઘાણી, બાવકુભાઇ ઉંઘાડ, જયંતિભાઈ કવાડિયા, સૌરભભાઈ દલાલ  સહિત ભાજપના સાંસદો, ધારાસભ્યો, ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

કમાણી ફોરવર્ડ હાઇસ્કુલના વિશાળ મેદાનમાં સ્ટેજ માટે ડોમમાં એસી સહિતની સુવિધા સાથે વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને લોકો માટે પણ અલગ અલગ વિભાગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બહાર ગામથી આવતી તમામ બસો સહિતના વાહનો માટે અલગ અલગ ઝોન બનાવીને પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમરેલીના એરોડ્રામથી ફોરવર્ડ મેદાન સુધીના રોડ પર જ બંદોબસ્ત માટે રપ૦ જેટલા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. અમરેલી શહેર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હોય તેમ જયાં જુઓ ત્યાં પોલીસ કર્મચારીઓ અને પોલીસના વાહનો નજરે પડતા જોવા મળ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમાં નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં તેમણે છેલ્લી સભા અમરેલીમાં સંબોધી હતી અને વડાપ્રધાન બની ગયા હતાં. તે પછી તેઓ ગત તા. ૧૭ સપ્ટેમ્બર ર૦૧૭ ના અમરેલી આવ્યા હતાં. અને પોતાનો જન્મ દિવસ અમરેલીમાં ઉજવ્યો હતો તથા બ્રોડગેજની જાહેરાત કરી હતી.  ત્યારબાદ તેઓ ફરીથી અમરેલી આવ્યા હતા.

અમરેલીમાં વડાપ્રધાનના આગમનના પગલે પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીજી પોતે અમરેલીમાં છાવણી નાખીને સમગ્ર વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા હતાં. ડીજી, ભાવનગરના આઇજી અને અમરેલીના એસપીની આગેવાનીમાં ચાર ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, પોલીસ હોમગાર્ડ સહિત ૬૦૦ કર્મચારીઓ તૈનાત હતા.

તસ્વીરમાં જંગી માનવ મેદનીને સંબોધી રહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નજરે પડે છ. અન્ય તસ્વીરોમાં પુરૂષોત્તમભાઇ રૂપાલા, જીતુભાઇ વાઘાણી, દિલીપભાઇ સંઘાણી, નારણભાઇ કાછડીયા, ભારતીબેન શિયાળ, સૌરભભાઇ પટેલ સહિતના  ભાજપના અગ્રણીઓ નજરે પડે છે. (તમામ તસ્વીરોઃ સંદિપ બગથરીયા, અશોક બગથરીયા)

અમરેલીવાળા આમ ઢીલુ ઢીલુ બોલો તો મજા ન આવે...

અમરેલીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયા અને ભાવનગર બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળના સમર્થનમાં જંગી જાહેરસભા સંબોધી હતી.

આ તકે નરેન્દ્રભાઈ મોદીએ લોકો પાસે સૂત્રો બોલાવ્યા હતા. પ્રારંભે ઓછો અવાજ આવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, અમરેલીવાળા આમ ઢીલુ ઢીલુ બોલે તો મજા ન આવે...

મોઢુ જુઓ તો દા'ડો બગડે

અમરેલીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલીમાં જાહેરસભા સંબોધતા કાઠીયાવાડી શબ્દો સાંભળવા મળ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસના આગેવાનોને આડે હાથે લઈને જણાવ્યુ હતુ કે, અમુક નેતાઓનું મોઢું જુઓ તો પણ આખો દા'ડો બગડે. મોદી સરકારની કામગીરીથી તમે ખુશ છો, દેશ ખુશ છે પરંતુ કોંગ્રેસ માથુ કુટે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોંગ્રેસના નેતાઓ માથુ ટેકવવા પણ નથી ગયા      

અમરેલીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર અને રાજ્યની સરકારે સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યુ છે પરંતુ કોંગ્રેસના નેતાઓ ત્યાં માથુ ટેકવવા ગયા હોય તેવુ તમે જોયું છે ? તેમ કહીને કોંગ્રેસના નેતાઓને આડે હાથે લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સમયે કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે નિવેદનો કર્યા હતા. જેનો વડાપ્રધાન શ્રીએ આજે જવાબ આપ્યો હતો.

(3:26 pm IST)