Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

આચારસંહિતા લાગુ થયા બાદ મરાઠવાડામાં ૯૧ ખેડૂતની આત્મહત્યા

ચાલુ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૪ એપ્રિલ સુધીમાં ૨૨૦ ખેડૂતે આત્મહત્યા કરી છે

ઔરંગાબાદ, તા.૧૮: લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ત્યારથી મરાઠવાડામાં ૯૧ ખેડૂતે આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે લોનમાફીથી પેન્શન આપવા સુધીનાં આશ્રાસનો પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યાં છે, પરંતુ આ જ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરી રહેલા ખેડૂતો સંદર્ભે રાજકીય પક્ષો એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી. ચાલુ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૪ એપ્રિલ સુધીમાં ૨૨૦ ખેડૂતે આત્મહત્યા કરી છે.

૧૪૮ ખેડૂતને સરકારી મદદ આપવામાં આવી હોવા છતાં ૫૪ પ્રકરણ અપાત્ર ઠર્યા હતા. ૧૮ પ્રકરણની તપાસ ચાલી રહી છે. માત્ર માર્ચ મહિનામાં જ ૬૯ ખેડૂતે આત્મહત્યા કરી હોઈ છેલ્લા પખવાડિયામાં અંદાજે બાવીસ ખેડૂતની આત્મહત્યાની દ્યટના પ્રકાશમાં આવી હતી. દરમિયાન નાગઠાણે સ્થિત ખેડૂત ભિકાજી ઉર્ફે જગદીશ સંપત શેળકે (૪૨)એ દેવાથી કંટાળી મંગળવારે બપોરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શેળકેએ સાડાત્રણ લાખ રૂપિયાની લોન લીધી હતી.

લોનમાફીનો લાભ ન મળતાં છ ટકાને બદલે બાર ટકા વ્યાજદરે લોન ભરવાનો વારો આવતાં હતાશામાં શેળકેએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.

(10:02 am IST)